- વઢવાણા સિંચાઈ તળાવમાં પાણી પૂર્ણતાને આરે
- ઉનાળાને ધ્યાને લઇ આગોતરું આયોજન કરવા ખેડુતોની બેઠક મળી
- બેઠકમાં સોશ્યલ ડિસ્ટન્ટન્સનો અભાવ
વડોદરાઃ જિલ્લાના ડભોઈ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવનું પાણી ચાલુ વર્ષે શિયાળા પાકના ઉત્પાદનમાં પૂર્ણ થઈ જશે. ત્યારે આગામી ઉનાળામાં પાણી મળી રહે તે માટેના આગોતરા આયોજન કરવા તેમજ ખેડૂત સંઘના પ્રમુખની વરણી કરવા 30 ગામના ખેડૂતોની બેઠક મળી હતી. જે બેઠકમાં સરકારના નીતિ નિયમોના લીરેલીરા ઉડ્યા હતા.
ડભોઇ તાલુકાના વઢવાણા ખાતે વિશાળ સિંચાઇ તળાવ આવેલું છે. જેની આસપાસના 30 ઉપરાંત ગામના ખેડૂતો માત્ર ખેતી ઉપર નિર્ભર છે. જ્યારે આ વિસ્તારમાં મોટા ભાગે ડાંગરની જ ખેતી થતી હોય છે. આથી ચાલુ વર્ષે શિયાળા પાકના ઉત્પાદનમાં જ તળાવનું પાણી પૂર્ણ થઈ જશે. ત્યારે ઉનાળામાં પાણી મળી રહે તેનું આયોજન કરવા તેમજ આ વિસ્તારના ખેડૂત સંઘના પ્રમુખ તરીકે વરણી કરવા માટે એક ખાસ બેઠક વઢવાણા ગામે યોજાઇ હતી. જેમાં પ્રમુખ તરીકે વકીલ અશ્વીન પટેલની વરણી કરવામાં આવી હતી. આ બેઠકમાં સરકારની કોરોની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું જોવા મળ્યુ હતુ. કોરોના સંક્રમણની ગંભીરતાને ભુલી ખેડૂતો માસ્ક વિના જોવા મળ્યા હતા.
બેઠકમાં ધારાસભ્ય શૈલેષ મહેતા વિડિઓ કોન્ફ્રરન્સથી જોડાયા
ડભોઇ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવ ગાયકવાડી શાસનકાળથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી પૂરું પાડી રહ્યું છે. ચાલુ વર્ષ અને ગત વર્ષે શિયાળામાં જ તળાવનું પાણી પૂર્ણ થશે તેવી ભીતિથી ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોની રજૂઆત બાદ નર્મદાનું પાણી સિંચાઇ માટે વઢવાણા એરીગેશનમાં છોડતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી. ચાલુ વર્ષે પણ ખેડૂતોને આ પાણી મળી રહેે તેમજ તળાવના કેટલાક ગેટની મરામત કરવા, કેનાલો રીપેર કરવા જેવા પ્રશ્નોના નિરાકરણ માટે બેઠક યોજવામાં આવી હતી. તેમના પ્રશ્નો અંગે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય દ્વારા ખેડૂતોને કોઈ તકલીફ નહીં પડે તે માટે જણાવ્યુ હતું.