વડોદરા : શહેરના અકોટા વિસ્તારમાં જીમ ટ્રેનર પતિએ તેમજ સાસરિયાએ પરિણીતાને લગ્નના પાંચ મહિનામાં જ એટલો ત્રાસ ગુજાર્યો કે પરિણીતા પિયર પરત જવા મજબૂર બની હતી. જે અંગે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેના લગ્ન ફેબ્રુઆરી 2021માં જીમ ટ્રેનર મયુર યશવંતભાઇ બેટકર (રહે. રામેશ્વરનગર, અલવાનાકા, માંજલપુર) સાથે થયા હતા. વિવાહના ત્રણ મહિના બાદ સાસરીયાઓએ વધુ દહેજની માંગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું.
વાત વાતમાં મહેણાં મારવા : પરિણીતાને તેના પતિ અને સાસરીયા નાની નાની વાતોમાં મ્હેણા ટાણા મારતા કે ચાંદલો નાનો કેમ લગાડે છે. મોટો કેમ નથી લગાડતી. રાત્રે પતિ-પત્ની મોડી રાત સુધી કેમ જોગો છો. હવે પછી તારે જાગવાનું નથી. જીમ ટ્રેનર પતિનો માસિક 50 હજાર રૂપિયા પગાર હોવા છતાં ઘરખર્ચ આપતો ન હતો. સાસુ અને નણંદ પતિને ચઢામણી કરતા કે જો તું નાણા આપવાની ટેવ પાડીશ તો ઘર ખાલી કરી પિયરમાં બધું આપી દેશે. તેને તુ પગની જૂતીની જેમ રાખજે અને ઘરનું કામકાજ જ કરાવજે. બહારની હવા પણ લાગવા દેતો નહીં. આવી ચઢામણી બાદ ત્રાહિત પરિણીતા પોતાના પિયરે ચાલી ગઈ હતી.
આ પણ વાંચો : વેપારીને વિધર્મી પરિણીતા સાથે પ્રેમ કરવો પડ્યો ભારે, બદલામા મળ્યું મોત
બાળક માટે મજબૂર કરાઈ : પરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, લગ્ન પહેલા તેણે નોકરી કરવા દેશે તેમ જણાવ્યું હતું. પરંતુ લગ્ન બાદ તેને નોકરી દેવા દીધી ન હતી. એટલું જ નહીં સાસરિયા કહેતા કે ડોક્ટર પાસે જઇ આવ અમને તાત્કાલીક છોકરો જોઇએ છે. પરંતુ પરિણીતા નેચરલ બાળક ઇચ્છતી હતી. છતાં તેને દવા માટે મજબૂર કરતા હતા. જેથી ત્રાસ સહન ન થતાં લગ્નના પાંચ મહિનામાં પરિણીતા પિયર આવી ગઇ હતી.
આ પણ વાંચો : Bardoli Molestation Case: વિધર્મીએ ભૂવાના વેશમાં વિધિ કરવાના બહાને પરિણીતા સાથે કરી છેડતી
મહિલા પોલીસ મથકમાં ફરિયાદ : આ મામલે પરિણીતાએ પતિ મયુર યશવંતભાઇ બેટકર, સસરા યશવંત બેટકર, સાસુ યોગીતા યશવંત બેટકર અને નણંદ પ્રિયા યશવંત બેટકર (તમામ રહે. રામેશ્વરનગર, અલવાનાકા, માંજલપુર) સામે મહિલા પોલીસ સ્ટેશનમાં દહેજની માંગ, શારીરિક-માનસિક ત્રાસ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે. આ અંગે મહિલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.