વડોદરા: કોરોનાં મહામારીને લઈને રાજ્ય સરકાર દ્વારા અંત્યોદય અગ્રતા ધરાવતા તેમજ બી.પી.એલ.કાર્ડ ધારકોને આગામી ત્રણ મહિના સુધી સસ્તા અનાજની દુકાનોમાં 1લી એપ્રિલથી મફત અનાજ વિતરણની જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે વડોદરા શહેર પોલીસ દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટનસિંગ કેળવવા અપીલ કરવામાં આવી હતી.
ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગ દ્વારા કોવિડ-19ને લઈને એક મહત્વની જાહેરાત કરાઈ હતી. આગામી ત્રણ દિવસ સુધી અંત્યોદય અગ્રતા ધરાવતા તેમજ બીપીએલ કાર્ડ ધારકોને મફતમાં અનાજનો જથ્થો અપાશે. આ જાહેરાત અંતર્ગત 1લી એપ્રિલથી વડોદરા શહેર જીલ્લામાં 803 દુકાનો પરથી 3,13,647 કાર્ડ ધારકોને જથ્થાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આ સમયે લોકોની ભારે ભીડ ન સર્જાય તે માટે પણ પોલીસ સતર્ક બની છે.
વડોદરા શહેરમાં ફતેપુરા અને દાંડિયા બજાર સહિતના વિસ્તારોમાં આવેલી સસ્તા અનાજની દુકાનો પર વહેલી સવારથી જ અનાજ લેવા પડાપડી થતાં પોલીસે તમામ લોકોને એક એક ફૂટનું અંતર જાળવી અનાજ લેવા માટે ફરજ પાડી હતી. ઉલ્લેખનીય છે કે, મફત અનાજ વિતરણને લઈ લોકોની અનાજ લેવા માટે પડાપડી વચ્ચે કાળા બજારની પણ શક્યતાઓ સેવાઈ છે. ત્રણ દિવસ સુધી સવારના 8થી રાત્રીના 8 દરમિયાન સસ્તા અનાજની દુકાનો પરથી મફત અનાજનું વિતરણ કરાશે. લોકોની ભારે ભીડ જોતા પોલીસ અને પ્રશાસન દ્વારા તમામ લોકોને કોરોનાંને ધ્યાને લઈ સોશ્યલ ડિસ્ટનસિંગ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે.