લોકસભાની ચૂંટણીઓ માટે ઉમેદવારીપત્રો ભરાયા બાદ સ્કૂટીની અને ફોર્મ પરત ખેંચવાની કામગીરી પૂર્ણ થયા બાદ હવે અંતિમ ચિત્ર સ્પષ્ટ થયું છે જેથી મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ અને ભરૂચ એમ પાંચ બેઠક ઉપરથી ૫૧ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં રહ્યા છે. જેમાં ભરૂચને બાદ કરતાં બાકીની ચાર બેઠક પર કાંટાની ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ખેલાશે.
- વડોદરામાં લોકસભા બેઠક પર ભાજપનાં વર્તમાન સાંસદ અને વડોદરા શહેર પ્રમુખ રંજનબેન ભટ્ટ અને કોંગ્રેસના યુવા નેતા અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ ચુંટણી જંગ યોજાશે. બંને પક્ષો પોતાનું એડીચોટીનું જોર લગાવી લોકો સુધી પહોંચી રહ્યા છે અને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જોકે વડોદરામાં ૧૩ ઉમેદવારો મેદાનમાં છે.જ્યારે ગત્ત વર્ષ ૨૦૧૪ની પેટા ચૂંટણીમાં રંજનબેને વડોદરા બેઠક પરથી ૩,૨૯,૫૦૭ મતની લીડ જીત મેળવી હતી.
- ભરૂચમાં સૌથી વધુ ૧૭ ઉમેદવાર મેદાનમાં છે. અહીં વર્તમાન સાંસદ મનસુખ વસાવા, કોંગ્રેસના નવા યુવા ઉમેદવાર શેરખાન પઠાણ અને BTPનાં છોટુ વસાવા વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે. જોકે ગત્ત ચુંટણીમાં મનસુખ વસાવાએ ૧,૫૩,૨૭૩ મતની સરસાઈ પ્રાપ્ત કરી જીત મેળવી હતી.
- દાહોદમાં ૭ ઉમેદવારો ચુંટણી જંગમાં ઝંપલાવ્યું છે. ભાજપનાં કેન્દ્રીય પ્રધાન જશવંતસિંહ ભાભોર અને કોંગ્રેસના બાબુભાઈ કટારા વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. ગત્ત વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં ભાભોર ગુજરાતમાં તત્કાલીન મોદી સરકારમાં પ્રધાન પદે ચાલુ હતા. તેમણે તે વખતે ચૂંટણીમાં ૨,૩૦,૩૫૪ મતોથી વિજય થયો હતો.
- છોટાઉદેપુરમાં ૮ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં બાકી રહ્યાં છે. ભાજપના ગીતાબેન રાઠવા અને કોંગ્રેસના રણજીત રાઠવા વચ્ચે ચૂંટણી યોજાશે. આ વખતે ભાજપે વર્તમાન સાંસદ રામસિંહ રાઠવાની ટિકિટ કાપીને ગીતાબેનને મેદાનમાં ઉતાર્યા છે.
- પંચમહાલમાં સૌથી ઓછા ૬ ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે, ત્યારે પંચમહાલમાં મુખ્ય ટક્કર ભાજપના રતનસિંહ રાઠોડ અને કોંગ્રેસના વી.કે.ખાંટ વચ્ચે થશે. ભાજપે વર્તમાન સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની ટિકિટ કાપીને રતનસિંહને આ વખતે ટિકિટ આપી છે. જેઓ લુણાવાડા વિધાનસભા બેઠકના અપક્ષ ધારાસભ્ય છે અને બિનશરતી ટેકો જે તે સમયે ભાજપને જાહેર કર્યો હતો.
આ વખતે મધ્ય ગુજરાતમાં કુલ ૫૯ ફોર્મ માન્ય થયા હતા. જેમાંથી છેલ્લા દિવસે ૮ પાછા ખેંચાતા હવે આખરી ચિત્ર સ્પષ્ટ બનતા ચૂંટણી મેદાનમાં રહેતા ઉમેદવારોએ પોતાના ઝંઝાવાતી પ્રચારમાં લાગી ગયા છે. હવે જોવાનું એ રહે છે કે, પ્રજાનો મિજાજ કોના શીર પર જીતનો તાઝ પહેરાવશે એ તો હવે આવનારો સમય જ બતાવશે.