વડોદરા: વડોદરા શહેરમાં વાઘોડિયા રોડ પર આવેલા ઉમા કોમ્પ્લેક્સની લિફ્ટ તૂટતા દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે લિફ્ટમાં બેસેલા ચારથી પાંચ માણસો ફસાઈ ગયા હતા. પીઝા રેસ્ટોરન્ટમાંથી ચીસો સંભળાતા અને લિફ્ટનો અવાજ સંભળાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા એક તબક્કે પીઝા રેસ્ટોરન્ટ પાસે અફરા-તફરી મચી ગઇ હતી. આ સમગ્ર ઘટના મામલે તાત્કાલિક ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી.
શું બની હતી ઘટના?: વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે બે માળનું પીઝા રેસ્ટોરન્ટ આવેલું છે. આ રેસ્ટોરન્ટમાં સાંજના સમયે એક પરિવાર પીઝા ખાવા માટે ગયું હતું પરિવાર પીઝાનો આનંદ માણીને લિફ્ટમાંથી નીચે આવી રહ્યું હતું. એકાએક લિફ્ટનો કેબલ તૂટવા સાથે લિફ્ટ ભારે ધડાકા સાથે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પટકાઇ હતી. લિફ્ટ ધડાકા સાથે પટકાતાજ લિફ્ટમાં સવાર પરિવારે બુમરાણ મચાવી મુકી હતી. લિફ્ટમાં એક 16 વર્ષની શ્રેયાબહેન પાંડે, રામજીભાઇ પાંડે સહિતા ચાર વ્યક્તિઓ સવાર હતા લિફ્ટ ધડાકા સાથે પડતાંજ રેસ્ટોરન્ટમાં કામ કરી રહેલા કર્મચારીઓ, પીઝા લેવા માટે આવેલા ગ્રાહકો તેમજ પ્રથમ માળે પીઝાનો આનંદ માણી રહેલા ગ્રાહકો ગભરાઇ ગયા હતા.
ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા: આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા પાણીગેટ ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા. તે સાથે પાણીગેટ પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો. તે સાથે આ બનાવની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં આવતા 3 જેટલી એમ્બ્યુલન્સો પણ આવી પહોંચી હતી. ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા લિફ્ટમાં ફસાયેલા પરિવારને બહાર કાઢવા માટે હાઇડ્રોલીક કટરથી લિફ્ટની જાળી કાપીને બહાર કાઢવાની ફરજ પડી હતી. બહાર કઢવામાં આવેલા તમામ ચાર ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો MP Aircraft Crash: 'મિરાજ 2000'નું બ્લેક બોક્સ, 'સુખોઈ 30'નો ડેટા રેકોર્ડર ભાગ મળ્યો
વિસ્તારમાં ભારે ચકચાર: લિફ્ટ તૂટવાની બનેલી ઘટના અંગે એવી પણ માહિતી મળી હતી કે, આ લિફ્ટની કેપિસીટી બે માણસની હતી. પરંતુ, લિફ્ટમાં એક કિશોરી સહિત વધુ વજનવાળા ચાર વ્યક્તિઓ બેસવાના કારણે લિફ્ટનો કેબલ તૂટી જવાથી ઘટના બની હતી. જોકે સવાલ એ પણ ઉભો થયો છે કે, પીઝા રેસ્ટોરન્ટના સંચાલકો દ્વારા લિફ્ટ સમયસર સર્વિસ કરાવી હતી કે કેમ તે તપાસનો વિષય છે. મોડી સાંજે પિઝા ટેસ્ટોરન્ટમાં બનેલી લિફ્ટ તૂટવાની ઘટના અંગે પાણીગેટ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર વાઘોડિયા રોડ વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.