વડોદરાઃ આગામી ચોમાસાની સિઝનમાં થતાં વરસાદનાં પાણીનો સંગ્રહ થાય અને આ પાણીનાં સંગ્રહથી જમીનમાં પાણીનાં સ્તર ઊંચા આવે તેવા આશયથી રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં જળસંચય યોજના અમલી બનાવી છે. જોકે, આ યોજના હેઠળ ઉપલબ્ધ તળાવોને ઊંડા કરવાની કામગીરી કરવાની થતી હોય છે. પરંતુ આ યોજનાનાં ઓથા હેઠળ કેટલાક ભૂમાફિયાઓ આ તળાવની માટી ઉલેચી રોકડી કરી લેવા તત્પર બન્યા છે.
આ પણ વાંચોઃ Ahmedabad Crime: જમીન કૌભાંડમાં 11 સામે ગુનો નોંધાતા 4ની ધરપકડ, ભૂમાફિયા કનુ ભરવાડનું નામ આવ્યું સામે
માટી ખોદવા પાણીથી ભરેલું તળાવ થઈ રહ્યું છે ખાલીઃ ડભોઈ તાલુકાના ધર્મપુરી ગામમાં આવેલા તળાવ હાલ પાણીથી ભરેલા છે. તાલુકાનાં ભૂમાફિયાઓ આ તળાવ ઊંડા કરવાના બહાને તળાવની માટી સગેવગે કરી રોકડી કરવા કામે લાગી ગયાં છે. ભૂમાફિયાઓ તળાવને વેળાસર ખાલી કરવા ડંકી લગાવી પાણી ઉલેચી પાણીનો વેડફવાના કામે લાગી જઈ હજારો લીટર પાણીનો બગાડ કરી રહ્યા છે.
ભૂમાફિયાઓ તળાવ ખાલી કરાવી રહ્યા છેઃ આ ગામમાં ભૂમાફિયાઓ સક્રિય થયાં છે અને પાણીથી ભરેલાં તળાવને ખાલી કરવાનાં કામે લાગી ગયાં છે. આ વાત સમગ્ર પંથકમાં ફેલાઈ જતાં ગ્રામજનો આવી રીતે કુદરતી સંપદાનો બગાડ જોઈ ચિંતાતૂર બની ગયાં છે. સિંચાઈ માટેનું પાણી ભૂમાફિયાઓ ઉલેચી તળાવને ખાલી કરી રહ્યાં હોવાથી ગ્રામજનો ચિંતામાં આવી ગયાં છે. કારણ કે, આગામી સમયમાં કાળઝાળ ગરમીમાં પાણીની અછત સર્જાય તો તળાવનું પાણી ખેડૂતો અને પશુપાલકો માટે આર્શીવાદ સમાન બને તેમ છે, જેથી પોતાની નજર સામે પાણી બીનજરૂરી રીતે પાણી ઉલેચાતું જોઈ ખેડૂતોમાં તંત્ર સામે ભયંકર આક્રોશ જોવા મળી રહ્યો છે.
કાળઝાળ ગરમીમાં પશુ અને ગ્રામજનો માટે આ તળાવ આશીર્વાદરૂપઃ સ્થાનિક ખેડૂતો અને પશુપાલકો સારી રીતે જાણે છે અને સમજે છે કે, આગામી સમયમાં ઉનાળાની ઋતુ શરૂ થશે. તેમ જ ડભોઈ તાલુકામાં પાણીની અછત સર્જાય તેમ છે. આ વાતને સમજીને જ ખેડૂતો રોષે ભરાયા છે. છતાં આવી પ્રવૃત્તિઓ સામે તંત્ર એ જાળવી રાખેલાં મૌન અને નિષ્ક્રિયતા સ્થાનિક ગ્રામજનોને મૂંઝવી રહી છે. સ્થાનિકો માટે આર્શીવાદ સમાન પાણી ઉલેચાતું જોઈ ગ્રામજનો ચિંતામાં મૂકાઈ ગયાં છે.
TDO, તલાટી અને પંચાયતના વહીવટદારો દ્વારા નથી લેવાયા પગલાંઃ આવી ગંભીર ઘટના સામે આવી છે તેમ છતાં સ્થાનિક અધિકારીઓની આવી ઘટનાને તદ્દન હળવાશથી સ્થાનિક ગ્રામજનો રોષે ભરાયા છે. કારણ કે, આવી પ્રવૃત્તિઓથી છેવટે નુકસાન સહન કરવાનો વારો તો સ્થાનિક ગ્રામજનોનો જ આવે.
આ પણ વાંચોઃ Ahmedabad Crime : લેન્ડ ગ્રેબિંગના 19 ગુનામાં શામેલ જમીન માફિયા કનુ ભરવાડ ઝડપાયો
છેલ્લા 5 દિવસથી ચાલી રહી છે, પાણી ઉલેચવાની કામગીરીઃ સ્થાનિક કક્ષાએ થતી આવી ગોબાચારી સામે જાગૃત નાગરિકોએ તંત્ર સામે અવાજ ઊઠાવ્યો છે, પરંતુ જાણવા મળતી માહિતી મુજબ, આ કામગીરી છેલ્લાં પાંચેક દિવસથી ચાલીપાણી રહી છે. છતાં તંત્રના જવાબદાર અધિકારીઓ આવી ઘટના સમયે મૌની બાબા બની ગયા છે. આ ભૂમાફિયાઓ આ ગેરરીતિ માટે ટ્રેક્ટર તેમ જ પાણી ખેંચવાની ડંકીનો ઉપયોગ કરે છે અને તે પણ આ ગામનાં નથી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. ગ્રામજનોએ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, આ કામગીરી તંત્રના છૂપા આર્શીવાદ વગર શક્ય નથી. હવે જોવું રહ્યું કે, આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કયારે અટકે છે?