વડોદરા: ગુજરાતના ખેલાડીઓ અવારનવાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને રાજ્ય અને દેશનું નામ રોશન કરતાં હોય છે. વડોદરાની 18 વર્ષીય લક્ષીતા શાંડિલ્યએ એશિયન્સ ગેમ્સમાં ભારત અને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. સાઉથ કોરિયા ખાતે યોજાયેલ અંડર 20 એશિયન ગેમ્સમાં ભાગ લેનારી લક્ષીતા એકમાત્ર ગુજરાતની એથ્લેન્ટ છે. તેમણે 1500 મીટર રેસમાં સમગ્ર એશિયામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને ગોલ્ડ મેળવ્યો હતો. ગેમ્સ પૂરી કરીને લક્ષીતા પોતાના વતન વડોદરા પરત ફરશે. પરિવારજનો અને મિત્રોએ તેના સ્વાગતની તૈયારીઓ શરૂ કરી છે.
અઢળક મેડલોની માલકીન: સાઉથ કોરિયામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ગુજરાતની દીકરીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1500 મીટર રનિંગ ઈવેન્ટમાં સમગ્ર એશિયામાં નામ રોશન કરી દીધું છે. લક્ષીતા શાંડિલ્ય અત્યાર સુધીમાં 2 ઇન્ટરનેશનલ સાથે કુલ 25 મેડલ મેળવી ચુકી છે. તેમણે તાજેતરમાં યોજાયેલ 21st ફેડરેશન કપમાં 1500 મીટરમાં ગોલ્ડ અને 800 મીટરમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેળવવાના સ્વપ્નને સાકાર કર્યું છે. એશિયન ચેમ્પિયનશીપમાં ભારતમાંથી કુલ 40થી વધુ ખેલાડીઓ ભાગ લીધો હતો.
લક્ષીતાનું લક્ષ્ય "ગોલ્ડ": આ અગાઉ ETV BHARAT એ લક્ષીતા સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં સાઉથ કોરિયા ગેમ્સમાં ભાગ લેતા પૂર્વે તેમણે જણાવ્યું હતું કે, ભારત માટે ખૂબ સારો દેખાવ કરીશું. એશિયામાં ભારત માટે રેકોર્ડ બનાવીને આવીશ. આ શબ્દોને આ દીકરીએ આજે સાકાર કર્યા છે.
મને ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે. એશિયન ગેમ્સ માટે સિલેક્શન થયા બાદ દેશનું નામ રોશન કર્યું છે. જે ખૂબ મોટી બાબત છે. કોઈ પણ ગેમ્સમાં મેડલ મેળવવાની સિદ્ધિને આજ દિવસ સુધી કાયમ રાખી છે. રનિંગ ક્ષેત્રે ખૂબ મહેનત કરતી હતી. તેનું આ પરિણામ છે. મારા માટે ગર્વની વાત છે. તે ખૂબ મહેનત કરી રહી છે અને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આવનાર સમયમાં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા માટે ભુવનેશ્વર જશે. જ્યાં આ ટુર્નામેન્ટની ટ્રાયલ યોજાશે. સિલેક્ટ થશે તો વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે. જે આગામી જુલાઈ માસમાં ચાઇનામાં યોજાશે.--- વિનોદભાઈ શાંડિલ્ય (લક્ષીતાના પિતા)
મહેનતના ફળ મીઠાં: એથ્લેટિક કોચ રીપન્દીપસિંહ રંધાવાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, હું માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં લક્ષીતને ટ્રેનિંગ આપું છું. લક્ષીતા દ્વારા એશિયા માટે ક્વોલિફાય થઈ અને આજે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જે મારા માટે ખૂબ ખુશી અને ગૌરવની વાત છે. તે સવાર-સાંજ ખુબ જ પ્રેક્ટિસ કરી હતી. તેનું આ પરિણામ છે. સાઉથ કોરિયામાં એશિયન ગેમ્સમાં 48 થી વધુ દેશો ભાગ લીધો હતો.