વડોદરાઃ શહેરના હરણી ખાતે આવેલા ભીડભંજન હનુમાનજી મંદિરની પૌરાણિક અને ઐતિહાસિક ગાથા શાસ્ત્રમાં વર્ણવવામાં આવી છે. ઐતિહાસિકતાનું પ્રમાણ બતાવવામાં આવ્યું છે. તો પૌરાણિકતાનું સ્કંદ પુરાણમાં વિશ્વામિત્રી મહાત્મ્યમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીરામ પોતે આ ભૂમિ પર આવ્યા હોવાના પ્રમાણ સ્કંદ પૂરાણોમાં જોવા મળ્યા છે. તો આ મંદિરનું નામ શા માટે ભીડભંજન પડ્યું છે તે વિશે જાણીએ.
આ પણ વાંચોઃ Hanuman Darshan: શિવના 11માં રુદ્ર અવતાર સમાન 11મુખી હનુમાનના દર્શન કરવાથી મળે છે તમામ કષ્ટોમાંથી મુક્તિ
મુખાકૃતિ મનુષ્ય અવતારની: ભીડભંજન હનુમાનજી મહારાજની મુખાકૃતિની વાત કરવામાં આવે તો, હરણી સ્થિત ભીડભંજન હનુમાનજીની મુખાકૃતિ મનુષ્ય અવતારની છે. સામાન્ય રીતે હનુમાનજીનો અવતાર વાનર સ્વરૂપના હોય છે, પરંતુ આ પ્રકારે મુખાકૃતિમાં મૂંછ અને દાઢી શા માટે છે? તેવા અનેક સવાલો ઉભા થાય છે. આ બાબતે પણ સ્કંદ પુરાણોમાં ઇતિહાસ ધરાવે છે.
હીરણાંક્ષી નામનો દૈત્યથી પરેશાન: આ સ્થળ પર એક હીરણાંક્ષી નામનો દૈત્ય રહેતો હતો. આ દૈત્ય ખૂબ જ બળવાન અને અજરઅમર હતો. તે અહીં રહેલા સાધુસંતોને ખૂબ હેરાન કરતો હતો. આ સાધુસંતોએ પ્રભુ શ્રીરામને વિનંતી કરી હતી કે, તમારા વચન પ્રમાણે કોઈ પણ દૈત્યનો નાશ થશે અને શાંતિ સ્થાપિત થશે. તેને લઈ અમારા વિસ્તારમાં પણ દૈત્ય હેરાન કરી રહ્યો છે ત્યારે ભગવાન શ્રીરામે હનુમાનજીને આજ્ઞા કરી કહ્યું હતું કે, આ સ્થળ પર એક દૈત્ય રહે છે તેનો નાશ કરો.
હનુમાનજી અને દૈત્ય વચ્ચે યુદ્ધ: હનુમાનજી અને દૈત્ય વચ્ચે યુદ્ધ થયું હતું અને પૂરાણોમાં ઉલ્લેખ છે કે, ઘણા સમય સુધી હનુમાનજી અને દૈત્ય વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું. સ્વયં પ્રભુ શ્રીરામ આ દૈત્યના વધ માટે ત્યાં પહોંચ્યા હતા. ત્યારે બ્રહ્માજીએ આકાશવાણી કરી હતી કે, આ દૈત્ય અજરઅમર છે. તેને બ્રહ્માજીનું વરદાન પ્રાપ્ત છે, જેથી તે મૃત્યુ પામી શકે તેમ નથી. ત્યારે ભગવાન શ્રીરામે હનુમાનજીને વિરાટરૂપ ધારણ કરી તેનો નાશ કરવાનું કહ્યું હતું. ત્યારે હનુમાનજી આ દૈત્યને હાથમાં પકડી અને હવામાં ફેંકે અને તેને જમીન પર પછાડે છે. ત્યારે તેને પગમાં દબાવી રાખે છે અને ત્યારબાદ ભગવાન શ્રીરામે તેમને કહ્યું કે, આ દૈત્ય અજરઅમર છે તેનું મૃત્યુ શક્ય નથી. ત્યારે આક્રોશથી હનુમાનજી દૈત્યને પોતાના પગમાં દબાવે છે અને ગદાનો પ્રહાર કરે છે.
ભીડભંજન નામ કઈ રીતે પડ્યું: તે સમય જોઈ ભગવાન શ્રીરામ કહે છે કે. તથાસ્તુઃ ત્યારે હનુમાનજી ત્યાં સ્થિર થયા હતા. ભગવાન શ્રીરામે કહ્યું કે, દૈત્યનું મૃત્યુ શક્ય નથી. ત્યારે તમારી શક્તિથી તમારા પગમાં દબાવી રાખો અને કાલ અંતરે આ નગરી મનુષ્યનગરી થશે તો તમારું વિરાટ રૂપ, ભયંકર રૂપ અને વાનર રૂપ જોઈ લોકો ગભરાઈ જશે, જેથી આ કાળથી મનુષ્યરૂપ બિરાજમાન થઈ અને સાધુસંતો અને ઋષિમુનિઓનું કષ્ટ દૂર કરો. એટલે ગુજરાતીમાં કષ્ટનો બીજો અર્થ થાય છે ભીડ દૂર થઈ એટલે અહીં ભીડભંજન તરીકે પ્રસિદ્ધ થયા હતા.
આ પણ વાંચોઃ Hanuman Chalisa: સુરતમાં 3000થી વધુ વિદ્યાર્થીઓએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા
ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીરામ આવ્યા: અહીં અરણીનું જંગલ હતું. સમયકાલ થતા આ સ્થળ અરણીનું હરણી થયું અને આજે પ્રસિદ્ધ થયું છે. કહેવાય છે કે, આ જગ્યા પર ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણ પોતે અહીં આવ્યા હતા. જે સ્કંદ પુરાણના આધારે ફલિત થાય છે. ખાસ કરીને આ સ્થળ ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીરામના ચરણ આ ધરતી પર પડ્યા હોવાથી આ ધરતી પાવન બની છે. શ્રાવણ માસમાં ભવ્ય મેળો ભરાય છે. સાથે હનુમાન જયંતી પર લાખો ભાવિભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ પવિત્ર ભીડભંજન હનુમાનજી મંદિર લાખો ભાવિ ભક્તોનું અસ્થાનું કેન્દ્ર બન્યું છે.