વડોદરા: રાજ્યભરમાં યોજાનાર જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરનાર મુખ્ય આરોપી જીત નાયક ઉર્ફે શ્રધ્ધાકર લુહાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. એટલે કે 10 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ આપ્યા છે. ગુજરાત એટીએસ દ્વારા આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.
ગુજરાત એટીએસ દ્વારા ઝીણવટભરી તપાસ: ગઈકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરવામાં સંડોવાયેલા 15 લોકોના 10 ફેબ્રુઆરી સુધીની રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગુજરાત એટીએસ દ્વારા સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરવા માટે વિવિધ મુદ્દાઓ રજૂ કરીને ગતરોજ 15 આરોપીઓના રિમાન્ડ 14 દિવસની રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે વકીલની દલીલોને સાંભળ્યા બાદ 10 ફેબ્રુઆરી સુધીની રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ પણ વાંચો: Junior Clerk Paper Leak : પેપર લીકના આરોપીઓને કડક સજા થાય : ધારાસભ્ય યોગેશ પટેલ
મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર: મુખ્ય આરોપી શ્રદ્ધાકર હૈદરાબાદમાં આવેલી કે. એલ હાઇટેક પ્રિન્ટીંગ પ્રેસમાં લેબર તરીકે નોકરી કરે છે. તેણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર પ્રેસમાંથી ચોરી કરીને મુખ્ય આરોપી પ્રદિપને આપ્યું હતું. પ્રદિપે પેપરનો સોદો કરી હૈદરાબાદના ભોલારામ વિસ્તારમાં 8 જાન્યુઆરીના રોજ પેપર આપ્યું હતું. જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે ગુજરાત એટીએસ દ્વારા 24 કલાકથી ઓછા સમયમાં તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપર બહાર લાવી આપનાર શ્રધ્ધાકર લુહાની અટકાયત કરવામાં આવી હતી. આજે તેને વડોદરાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર ચોરી: સરકારી વકીલ અનિલ દેસાઈએ જણાવ્યું કે એટીએસ દ્વારા જે રેડ કરવામાં આવી હતી. એમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે જુનિયર ક્લાર્ક વર્ગનું પેપર જે હૈદરાબાદમાં છપવાના હતા એ પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર ચોરી કરીને અન્ય આરોપીઓ પ્રદિપ નાયકને આપેલું છે. આરોપી શ્રદ્ધાકર લુહાને એટીએસ દ્વારા ગઈ કાલે ઝડપવામાં આવ્યો હતો. આજે નામદાર વડોદરાની કોર્ટમાં તેને હાજર કરેલો રજૂ કર્યા પછી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. નામદાર કોર્ટે મુખ્ય આરોપીના 10 તારીખ બપોરે 12 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે.