જુનાગઢ : મકરસંક્રાંતિના તહેવારને લીધે આગામી ત્રણ દિવસો પક્ષીઓ માટે ખૂબ જ મુશ્કેલ બનતા હોય છે પાછલા વર્ષોમાં અનેક પક્ષીઓ પતંગની ઘાતક દોરીને કારણે ગળા કપાઈ જવાથી મોતને ભેટે છે. તો કેટલાક હતભાગી પક્ષીઓ પતંગની ઘાતક દોરીથી આજીવન ઉડાન ભરી શકતા નથી. મકરસંક્રાંતિના આ ત્રણ ચાર દિવસો દરમિયાન જીવદયા પ્રેમીઓ દ્વારા પક્ષીઓને વિશેષ રેસ્ક્યુ અને પતંગની દોરીથી થયેલી ઇજાને સારવાર મળે તે માટે ત્રણ દિવસ સુધી સતત કેમ્પ લગાવતા હોય છે. જેને કારણે ઘણા પક્ષીઓ મોતને ભેટતા બચ્યા છે. ત્યારે જુનાગઢમાં આ વર્ષે જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓના જીવોને બચાવવા માટે નવતર અભિયાન પણ શરૂ થવા જઈ રહ્યું છે. જેમાં પતંગની દોરીમાં ફસાયેલા પક્ષીને 40 ફૂટ ઊંચાઈ પરથી પણ સફળતાપૂર્વક ગણતરીની મિનિટોમાં રેસ્ક્યુ કરી શકાય છે.
પુનાથી મંગાવાઈ ખાસ સ્ટીક : જુનાગઢની જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ખાસ પુનાથી કાર્બન ફાઇબરમાંથી બનેલી ખાસ રેસકૃયુ સ્ટીક આ વખતે મંગાવવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં આ પ્રકારે સ્ટીકથી પ્રથમ વખત પક્ષીઓના રેસ્ક્યુ થશે. 40 ફૂટની ઊંચાઈ સુધી કોઈપણ જગ્યા પર જઈ શકતી આ સ્ટીકથી ગણતરીની સેકન્ડોમાં જ પક્ષીને પતંગની દોરીમાંથી મુક્ત કરાવી શકાય છે. વધુમાં એવી જગ્યા પર કે જ્યાં કોઈ પણ વ્યક્તિ કે રેસ્ક્યુ ટીમનુ પહોંચવું શક્ય નથી, આવી જગ્યા પર પણ આ રેસ્ક્યુ સ્ટિક ખૂબ જ સફળતાપૂર્વક કામ કરીને પક્ષીઓને ખૂબ ઓછી ઇજા થાય અને સમય રહેતા તેનું રેસ્ક્યુ કરવામાં આવે તે પ્રકારે આ રેસ્કયુ સ્ટીક કામ કરશે.
જીવદયા ટ્રસ્ટે આપી વિગતો : પાછલા ઘણા વર્ષોથી જૂનાગઢમાં જીવદયા ટ્રસ્ટ દ્વારા અબોલ પશુ અને પક્ષીઓની સેવા બિલકુલ વિના મૂલ્ય કરવામાં આવી રહી છે જીવ દયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉતરાયણના દિવસો દરમિયાન ત્રણ દિવસ સુધી જુનાગઢ શહેરમાં વિવિધ સ્થળો પર કેમ્પ લગાવીને ઘાયલ પક્ષીઓને સારવાર આપવાની સાથે પતંગની દોરીમાં કે ઝાડ પર ફસાયેલા પક્ષીઓને રેસ્ક્યુ કરવાની કામગીરી પણ જીવદયા ટ્રસ્ટ કરી રહ્યું છે ત્યારે આ વખતે પ્રથમ વખત ખૂબ જ ઓછા સમયમાં અને સૌથી ઓછા માનવબળની જરૂર પડે તે પ્રકારે રેસ્ક્યુ માટેની સ્ટીક ખરીદવામાં આવી છે જેનો ઉપયોગ આવતીકાલથી વિધિવત શરૂ કરવામાં આવશે.