વડોદરા : શહેરમાં ગોત્રી હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. કોરોના સંક્રમિત દર્દીના જમવાની પ્લેટમાંથી જીવાત-કીડા નીકળતા ગોત્રી હોસ્પિટલનું વહીવટી તંત્ર વિવાદના વંટોળમાં ઘેરાયુ છે.
પાદરાના ભાવિન પાટણવાડિયા અને નિધિ પાટણવાડિયા બન્ને પતિ પત્નીને આજે શુક્રવારે સવારે વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ભાવિનની જમવાની પ્લેટમાંથી જીવાત અને કીડા દેખાતાં હોય તેઓ વીડિયો બનાવી વાઇરલ કર્યો હતો. આ સાથે આરોગ્ય વિભાગ પણ યોગ્ય વર્તન ન કરતા હોવાના આક્ષેપ સાથે પાદરા તાલુકાના હેલ્થ ઓફિસરે પહેલા પ્રાઇવેટમાં રિપોર્ટ કરાવા કહ્યું હોવાનું ભાવીનએ વીડિયોમાં જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, શહેર અને જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાના કેસનો વ્યાપ વધવા લાગ્યો છે. શુક્રવારે 45 નવા પોઝીટીવ દર્દીઓ સાથે કુલ આંક 1236 પર પહોંચ્યો છે, ત્યારે 2 વ્યક્તિના મોત નિપજ્યા છે. તેવામાં ગોત્રી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં કોરોના સંક્રમિત દર્દીના ભોજનની પ્લેટમાંથી જીવાત નીકળતાં હોસ્પિટલના વહીવટી તંત્રની પોલ ઉઘાડી થઈ હતી.