- આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે વડોદરા જિલ્લા કોંગ્રેસે ભાજપમાં ભંગાણ સર્જ્યું
- જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કોંગ્રેસમાં જોડાયા
- વડોદરાના ભાજપના અગ્રણીને કોંગ્રેસમાં શામેલ કર્યા
વડોદરાઃ રાજ્યમાં જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણી પૂર્વે જ તમામ રાજકીય પક્ષો એક્શનમાં આવ્યા છે. ચૂંટણી જીતવાના તમામ રાજકીય પક્ષો ગમે તેવા હાથકંડા અપનાવવા માટે તૈયાર છે, ત્યારે આજે વડોદરા જિલ્લા ભાજપમાં ભંગાણ સર્જી અને કોંગ્રેસે વડોદરા તાલુકાના ભાજપના અગ્રણીને કોંગ્રેસમાં શામેલ કર્યા હતા.
ભાજપમાં આંતરિક ખેંચતાણને કારણે રાજીનામું ધર્યુ હોવાની ચર્ચા
વડોદરા જિલ્લા ભાજપમાં તાજેતરમાં જાહેર થયેલા સંગઠનમાં જિલ્લા ઉપપ્રમુખનો હોદ્દો ધરાવનારા ગોપાલસિંહ ટાંટોડ આજે પક્ષમાં થતી અવગણનાથી નારાજ થઈને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસમાં જોડાયા હતા. પોતે ભાજપના ઉપપ્રમુખ અને પત્ની જિલ્લા પંચાયત સભ્ય હોવા છતાંય અવગણનાથી નારાજ થયા હતા.
ગોપાલસિંહ ટાંટોડનો પક્ષ પલ્ટો
ગોપાલસિંહ ટાંટોડએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપમાં છેલ્લા ઘણા સમયથી તેઓની અવગણના કરવામાં આવતી હતી. તેઓ જે હોદ્દાને લાયક હતા તેનાથી ઓછો હોદ્દો આપવામાં આવ્યો હતો. જ્યારે વારંવાર થતી અવગણનાને લઈને તેઓએ ભાજપ પક્ષમાંથી નિષ્ક્રિય થવાનો નિર્ણય લીધો હતો પરંતુ કાર્યકરોની રજૂઆત બાદ સક્રિય રાજકારણમાં રહી પ્રજાલક્ષી કામો થઈ શકે તે માટે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. મહત્વનું એ છે કે, ભાજપથી નારાજગી વ્યક્ત કરનારા ગોપાલસિંહ ટાંટોડના પત્ની વિણાબેન ટાંટોડ તરસાલી બેઠક પરથી જિલ્લા પંચાયતમાં ભાજપના બેનર હેઠળ 5 વર્ષ સુધી સભ્ય રહી ચૂક્યા છે. જ્યારે પતિ ગોપાલસિંહ ટાંટોડ તાજેતરની જિલ્લા સંગઠનની રચનામાં જિલ્લા ઉપપ્રમુખનો હોદ્દો પણ ભોગવતા હતા, ત્યારે પક્ષમાં અવગણના થતી હોવાની વાત રાજકીય ક્ષેત્રે ગળે ઉતરે તેમ નથી. છતાંય પક્ષ પલ્ટો કરવાથી વડોદરા તાલુકામાં ભાજપના સંગઠનને મોટો ફટકો પડે તેમ છે.