- વડોદરામાં કોરોનાના કેસમાં વધારો
- કોર્પોરેશન ટીમે આપી સ્પીકરમાં સૂચના
- વેપારીઓએ પણ કોર્પોરેશનની આ પહેલને આવકારી
વડોદરા : શહેરમાં કોરોનાના વધતા વ્યાપને લઈ ગઈકાલે સાંજે કલેકટર કચેરીના ધારાસભા ખંડમાં વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી ડૉ.વિનોદ રાવની અધ્યક્ષતામાં વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બેઠકમાં જિલ્લા કલેકટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ શાલિની અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ.પી, શહેર પોલીસ કમિશ્નર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકના અંતે વડોદરા શહેરમાં ચુસ્ત રીતે કોરોના સામેની સાવચેતીના તમામ નિયમોનું પાલન થાય તે માટે સ્કોડ રચી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કોર્પોરેશન દ્વારા વિશેષ ટીમની રચના કરવામાં આવી
જે અંતર્ગત વોર્ડ દીઠ બે સ્કોડ તેમજ 120 ફ્લાયઇંગ સ્કોડ સાથે મેગા સ્કોડની રચના કરવામાં આવી હતી. જે સ્કોડ એક્શન મોડમાં જોવા મળી હતી. મંગળબજાર અને ખંડેરાવમાર્કેટ જેવા હોટ સ્પોટ વિસ્તારમાં પાલિકાની અલગ અલગ સ્કોડ દ્વારા દબાણ શાખા તેમજ પોલીસને સાથે રાખી દંડાત્મક તેમજ નિયમોનું ઉલ્લંઘન કરતાં એકમોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જે પ્રમાણે કોરોના દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે ભદ્ર વિસ્તારમાં મંગળવારે કોર્પોરેશન વોર્ડ નંબર 1 ની ટીમે સ્પીકરમાં વેપારીઓને માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને જે પણ ગ્રાહક દુકાનમાં પ્રવેશે તે માસ્ક ફરજિયાત પહેરે તેવી સૂચના આપવામાં આવી હતી. આજે કોર્પોરેશન દ્વારા પાંચ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જો આગામી દિવસમાં વેપારીઓ પાલન નહીં કરે તો તેમની પાસે દંડ વસૂલવામાં આવશે.
વેપારીઓ આ નિયમનું પાલન કરે એવી કોર્પોરેશને કરી અપીલ
કોરોના જે પ્રમાણે દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે કોર્પોરેશનની ટીમને મંગળ બજાર વેપારીના અગ્રણીઓએ પણ વધાવ્યા હતા. દુકાનની બહાર સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ તેમજ લોકો માસ્ક પહેરે તેવા બોર્ડ પણ લગાવવામાં આવ્યા હતા. જે ગ્રાહક દુકાનમાં પ્રવેશ કરે એ ફરજિયાત માસ્ક પહેરે એવી પણ સૂચના લખવામાં આવી હતી. વેપારીઓએ પણ કોર્પોરેશનની આ પહેલને આવકારી હતી. તેમજ બધા વેપારીઓ આ નિયમનું પાલન કરે એવી કોર્પોરેશને અપીલ કરી હતી.