- કરજણ બેઠકની પેટા ચૂંટણીની તૈયારી અંતિમ તબક્કામાં
- ચૂંટણી વિભાગે મતદાન મથકો માટે સામગ્રીઓ મોકલી
- કોરોના ગાઈડલાઈન્સ અનુસરી મતદાન કરાવવામાં આવશે
- મતદાન મથકો પર સેનિટાઈઝર સહિતની સામગ્રી મોકલાઈ
વડોદરાઃ કોવિડની મહામારી એ ઘણી બધી પ્રચલિત કાર્ય પદ્ધતિઓને જડમૂળથી બદલી નાખી છે, જેમાં ચૂંટણી પ્રક્રિયા અને મતદાનનો પણ સમાવેશ થાય છે. તેને અનુલક્ષીને કરજણ બેઠકની પેટા ચૂંટણીમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ભારતના ચૂંટણી પંચના કોવિડ વિશેષ માર્ગદર્શનને અનુસરવામાં આવી રહી છે. અહીં રાજ્ય સરકારની મદદથી વિશેષ સાધન સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવી છે. અત્યાર સુધી મતદાન મથકે મતદાન કર્યાની નિશાની રૂપે મતદારની આંગળીએ ટપકું કરવા અવિલોપ્ય શાહીની બોટલ અપાતી હતી. હવે તેની સાથે સેનિટાઈઝરની બોટલ ઉમેરાશે તો અગાઉ દરેક મતદાન મથક માટે એક ફાનસ આપવામાં આવતું હતું, જે હવે નથી અપાતું તો તેની સામે રબર મોજા અને ફેસ શિલ્ડ જેવી નવી સામગ્રી ઉમેરવામાં આવી છે. આરોગ્ય માટેના નોડલ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટિલાવતના સંકલન હેઠળ આ તમામ કોવિડ વિશિષ્ઠ સાધન સામગ્રી પ્રોક્યોર કરીને શહેરમાં આવેલા જિલ્લા આરોગ્ય તંત્રના ઔષધ ભંડાર ખાતે રાખવામાં આવી હતી, જે આજે વિવિધ બોક્ષમાં કરજણ બેઠકના ચૂંટણી અધિકારીને પહોંચાડવામાં આવી હતી.
સુરક્ષિત મતદાન કરાવવા જિલ્લા અને બેઠકના ચૂંટણી તંત્રની તૈયારી સંપૂર્ણ
કોવિડ એક અભૂતપૂર્વ અને અસાધારણ પડકાર છે. એટલે આ મહામારી વચ્ચે ચૂંટણી યોજવી અને મતદાન કરાવવું એ પણ ક્યારેય જેનો સામનો કર્યો નથી એવો પડકાર છે. તેને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચે ખૂબ સઘન દિશાનિર્દેશો જાહેર કર્યા છે. રાજ્ય સરકારે જરૂરી સાધન સામગ્રી આપી છે અને જિલ્લા આરોગ્ય તંત્રે એનું સુચારૂ સંકલન કર્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લાનું અને બેઠકનું ચૂંટણી તંત્ર કોવિડ સુરક્ષિત મતદાન કરાવવા સુસજ્જ છે.ત્યારે મતદારો નિર્ભયતા સાથે મતદાન કરવા તૈયાર રહે એ ઇચ્છનીય છે.