વડોદરા શહેરમાં મોડી રાતથી અવિરત ધીમીધારે વરસી રહેલા વરસાદને પગલે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. સતત ચાલુ રહેલા વરસાદને કારણે સામાન્ય જનજીવન ઉપર અસર જોવા મળી હતી. વહેલી સવારે સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરી ધંધાર્થે જતા લોકો અટવાઇ ગયા હતા. સતત વરસાદને કારણે ઝૂંપડાવાસીઓની હાલત પણ દયનીય બની ગઇ હતી. શહેરમાં સતત વરસી રહેલા પગલે ખંડેરાવ માર્કેટ, ચાર રસ્તા સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં નાના-મોટા વૃક્ષો જમીનદોસ્ત થવાની ઘટનાઓ બની હતી. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં શોર્ટ સર્કીટ થવાના કારણે વીજપુરવઠો ખોરવાઇ ગયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા.
વડોદરા શહેરમાં ધોધમાર વરસી રહેલા વરસાદને પગલે શહેરના નિચાણવાળા વિસ્તારો જળબંબાકાળ થઈ ગયા હતા. શહેરના નિચાણવાળા વિસ્તારો એમ.જી. રોડ, માંડવી-ગેંડીગેટ રોડ, વાડી ટાવર, પાણીગેટ રોડ, રાવપુરા, દાંડિયા બજાર, સયાજીગંજ, ફતેહગંજ, સહિત શહેરના વિવિધ માર્ગો ઉપર પાણી ભરાઇ ગયા હતા. જેમાં સયાજીગંજ અને અલકાપુરીને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જતાં સંપર્ક વિહોણો બની ગયો છે.
જેને પગલે જનજીવન પર માઠી અસર જોવા મળી હતી. વડોદરા શહેરમાં ભારે વરસાદને પગલે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 15 ફૂટ સુધી પહોચી છે. જોકે વિશ્ર્વામિત્રીની ભય જનક સપાટી 25 ફુટ છે. ભારે વરસાદને પગલે શહેરના ખાલીખમ તળાવો પણ ભરાઇ ગયા હતા. શહેરના માર્ગો ઉપર ભરાયેલા પાણીના પગલે શહેરી બસ સેવા બંધ કરી દેવાની ફરજ પડી હતી.
વડોદરા શહેરમાં ભારે વરસાદને પગલે આવતીકાલે ગુરૂવારના રોજ શહેરની નગર પ્રાથમિક સમીતી સહિત ખાનગી શાળાઓમાં જીલ્લા કલેકટર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે. તો આ સાથે જોકે શહેરમાં ભારે વરસાદને પગલે NDRFની ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. મળતી માહિતી મુજબ મુખ્યપ્રધાન વડોદરા શહેરમાં ભારે વરસાદને પગલે રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરા શહેરમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતીની ઉચ્ચસ્તરીય બેઠક યોજી સમીક્ષા હાથ ધરી હતી.
જેમાં બે IAS અધિકારીઓ વિનોદ રાવ અને લોચન શહેરાને તાત્કાલિક વડોદરા પહોંચી સ્થાનિક તંત્રનું માર્ગદર્શન કરવા સુચના આપવામાં આવી હતી.. વડોદરા શહેરના નીચાણ વાળા વિસ્તારના લોકોના સલામત સ્થળે સ્થળાંતરમાં તંત્રને સહયોગ આપવા નાગરિકોને અનુરોધ પણ કરવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં થયેલા ભારે વરસાદને પગલે મુખ્યપ્રધાન સ્વયં વડોદરા શહેરની વરસાદી સ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે.