વડોદરા : વડોદરાના હરણી વિસ્તારના મોટનાથ તળાવની (Harni Lake) હૃદયદ્રાવક હોનારતમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. હાલમાં સમાચાર આવ્યા છે કે મૃતકોમાં 13 બાળકો અને 2 શિક્ષકો સામેલ છે. આમ, મોતનો આંકડો 15 સુધી પહોંચી ગયો છે. હરણી તળાવ ખાતે પિકનિક માટે આવેલા ધોરણ માસૂમ વિદ્યાર્થીઓ બોટિંગ કરવા માટે બોટમાં બેઠા હતા, ત્યારે તેમની બોટ પલટી મારી હતી. કમનસીબ વિદ્યાર્થીઓ તળાવમાં ગરકાવ થયા હતા. મળતી માહિતી મુજબ, આ બોટમાં ક્ષમતાથી વધારે લોકોને બેસાડવામાં આવ્યા હોવાથી દુર્ઘટના બની છે. બોટની ક્ષમતા 16 લોકોની હતી. જ્યારે તેની સામે બોટમાં 30 થી વધુ લોકોને બેસાડવામાં આવ્યા હતા. આવી જ એક ઘટના વર્ષ 1993 માં પણ બની હતી.
સુરસાગર તળાવ દુર્ઘટના : વર્ષ 1993 માં જન્માષ્ટમીના દિવસે સુરસાગર તળાવમાં બોટિંગ સુવિધાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે બોટની ક્ષમતા 20 લોકોની હતી, જેમાં 38 લોકોને બેસાડવામાં આવ્યા હતા. આમ, ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડવાથી બોટ સુરસાગર તળાવમાં પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં જે તે સમયે 17 પરિવારના 22 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનામાં મૃતકોના પરિવારજનોને વળતર પેટે રૂપિયા 1.39 કરોડ ચૂકવવા આદેશ કર્યો હતો.
22 કમનસીબ જીવ : માહિતી મુજબ, 17 વર્ષની લડત બાદ મૃતકના પરિવારજનોને વળતર પેટે વ્યાજ સાથે આ રકમ ચૂકવવા માટે તંત્રને આદેશ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વળતર પેટે રકમની ચુકવણી કરી હતી. પીડિત પરિવારોને ન્યાય અપાવવા અને વળતર મળે તે માટે જાગૃત નાગરિક સંસ્થાના પુરુષોત્તમ મુરજાણીએ આકરી લડત લડી હતી. તેમણે જિલ્લા ગ્રાહક કમિશન, રાજ્ય ગ્રાહક કમિશન અમદાવાદ, રાષ્ટ્રીય ગ્રાહક કમિશન અને છેલ્લે સુપ્રીમ કોર્ટ સુધી લડત લડી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પીડિતોને વળતરની રકમ ચૂકવી હતી.
હરણી તળાવ દુર્ઘટના : જોકે, ગતરોજ બનેલી હરણી તળાવની દુર્ઘટનાએ સુરસાગર તળાવની ઘટનાની યાદ અપાવી છે. વધુ રૂપિયા કમાવવાની લાલચ અને તંત્રની બેદરકારીના કારણે માસૂમ બાળકો અને શિક્ષકો ભોગ બન્યા છે. ત્યારે સરકાર દ્વારા જવાબદાર લોકો સામે પગલાં લેવાની ખાતરી આપવામાં આવી. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી વડોદરા ખાતે પહોંચી ઘટનાસ્થળે રુબરુ માહિતી મેળવી હતી. બાદમાં વધુ તપાસ અને કડક કાનૂની કાર્યવાહી માટે તંત્રને આદેશ કર્યો છે. હાલ સમગ્ર તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવામાં આવી છે. તેમજ મૃતકોના પરિવારજનોને રૂપિયા ચાર લાખની સહાય અને ઈજાગ્રસ્તોને રૂપિયા પચાસ હજારની સહાય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે.