- નારાજ મધુ શ્રીવાસ્તવે વિધાનસભાના અધ્યક્ષ સાથે કોલમાં વાત કરી
- રાજેન્દ્ર ત્રિવેદીએ બે દિવસ બાદ ગાંધીનગર આવવા જણાવ્યું
- ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ તેમના પુત્ર માટે ટિકિટ માગી હતી
વડોદરાઃ 21મી તારીખે મહાનગરપાલિકાની ચૂંટણી છે. ત્યારે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવ 2 ટર્મથી પાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવતા હતાં. પ્રથમ વખત તેઓ 2010માં અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને ત્યારબાદ 2015માં ભાજપ સાથે જોડાઈને ચૂંટણી લડ્યા હતા. જેમાં જંગી બહુમતીથી દીપક શ્રીવાસ્તવ જીત્યા હતા. 2021માં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ટિકિટ પરિવારવાદ નહીં ચાલે તેમ કહેતાં મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવને ટિકિટ આપવામાં આવી નથી.
દીપક શ્રીવાસ્તવે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી
ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ પણ તેમના પુત્ર ધ્રુમિલ માટે ટિકિટ માંગી હતી. પક્ષે તેને પણ ટિકિટ આપી નથી. દીપક શ્રીવાસ્તવે પક્ષમાંથી બળવો કરીને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી ફોર્મ ચકાસણી સમયે દીપક શ્રીવાસ્તવને ત્રણ પુત્ર હોવાની વાત સામે આવતાં તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. મધુ શ્રીવાસ્તવે ભાજપ પક્ષને આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તેમણે પુત્રી લગ્ન કરીને છેલ્લા કેટલાક વર્ષથી અલગ રહે છે એમાં પરિવારવાદ નથી આવતો ત્યારે ભાજપે તેમની પુત્રીને જિલ્લા પંચાયતમાં ટિકિટ ના આપતાં મધુ શ્રીવાસ્તવ ભાજપથી નારાજ થયા હતાં.
મધુ શ્રીવાસ્તવ પાર્ટી સામે રોષે ભરાયાં
મધુ શ્રીવાસ્તવના પુત્ર અને પુત્રીને ચૂંટણીમાં ટિકિટ ના આપતા મધુ શ્રીવાસ્તવ પાર્ટી સામે રોષે ભરાયા હતા અને મળતી માહિતી મુજબ મધુ શ્રીવાસ્તવ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના ઘરે રાજીનામું આપવા પહોંચ્યા હતા. રાજેન્દ્ર ત્રિવેદી કોઈ કારણસર બહાર હોવાથી મધુ શ્રીવાસ્તવે તેમની સાથે ફોન પર વાત કરી હતી. ભાજપમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે આવ્યો છું, પક્ષ તરફથી તેમને કોઈ પણ પ્રકારનો સપોર્ટ મળતો નથી, તેમ મધુ શ્રીવાસ્તવે કોલમાં કહેતાં રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને બે દિવસ બાદ ગાંધીનગર આવવા જણાવ્યું હતું.