વડોદરાઃ આજે દરેક બાળક મોબાઈલમાં પોતાનો મોટા ભાગનો સમય વ્યસ્ત રહે છે. તે શારીરિક અને માનસિક વિકાસ કરતી પરંપરાગત રમતોથી દૂર થતો જાય છે. જેમાં લંગડી, પકડદાવ, કુંડાળા, આંબલી પીપળી, થપ્પો, આઈસપાઈસ, ખોખો, કબડ્ડી વગેરેનો સમાવેશ થાય છે. આજના યુગમાં પણ 'લંગડી' રમતનું આગવું મહત્વ છે. મહારાષ્ટ્રના કલ્યાણમાં નેશનલ લંગડી ચેમ્પિયન શિપ યોજાનાર છે. આ ચેમ્પિયન શિપમાં ભાગ લેવા માટે ગુજરાતની 4 ટીમો વડોદરાથી મહારાષ્ટ્ર જવા રવાના થઈ છે.
નેશનલ લંગડી ચેમ્પિયન શિપઃ મહારાષ્ટ્રના મુંબઈ ખાતેના પરા કલ્યાણમાં નેશનલ લંગડી ચેમ્પિયન શિપનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધઆમાં સીનિયર લંગડી નેશનલ ગેમની 12મી તેમજ સબ જુનિયર લંગડી નેશનલ ગેમની 13મી સ્પર્ધા યોજાવાની છે. ગુજરાતમાંથી પણ ચાર ટીમ આ નેશનલ ચેમ્પિયન શિપમાં ભાગ લેવા રવાના થઈ છે. જેમાં કુલ 60 ખેલાડીઓનો સમાવેશ થાય છે. 19 તારીખે રમાનારા ફાઈનલ બાદ ગુજરાતની ટીમ પરત ફરશે.
ગુજરાતની ટીમ ફોર્મમાંઃ ગુજરાતની લંગડી ટીમ સતત ત્રણ વર્ષથી નેશનલ લંગડી ચેમ્પિયન શિપમાં મેડલ જીતતી આવી છે. આ વખતે પણ ચારેય ટીમના ખેલાડીઓ ઉત્સાહથી ભરેલા છે. વડાદરાથી ટ્રેનમાં મહારાષ્ટ્ર રવાના થતા સમયે તેઓ ફોર્મમાં જણાતા હતા. દરેક ખેલાડીઓને આ વર્ષે પણ મેડલ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ખેલાડીઓને તેમના કોચ દ્વારા સઘન પ્રશિક્ષણ પ્રાપ્ત થયું હોય અને તેમને ખૂબ પ્રેક્ટિસ કરી હોય તેવું લાગી રહ્યું હતું.
અમારા સાહેબે અમને ખૂબ જ મહેનત અને પ્રેક્ટિસ કરાવી છે. આ વર્ષે પણ અમે મેડલ જીતીને પરત ફરીશું તેવો અમને વિશ્વાસ છે. આ રમત શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે બહુ અગત્યની છે...ક્રિતીકા વાઘમારે(લંગડી રમતની ખેલાડી, વડોદરા)