વડોદરા : મૌલિનભાઈ વૈષ્ણવે ફાયર બ્રિગેડના જવાન તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાઈને પાયાના કાર્યકર તરીકે કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવાનું કાર્ય કરતા રહ્યા હતા. તેઓ કારકીર્દીમાં જેસીઆઈ બરોડા અલકાપુરીના 1983ના પ્રમુખ, ગુજરાત જેસીસના ભૂતપૂર્વ રાજ્ય નિયામક, ગુજરાત મેરીટાઇમ બોર્ડના ભૂતપૂર્વ ચેરમેન, બેંક ઓફ બરોડાના ભૂતપૂર્વ નિયામક અને અરવિંદલાલ કેશવલાલ વૈષ્ણવ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક મેનેજિંગ ટ્રસ્ટી મૌલિનભાઈ વૈષ્ણવ મહત્વના હોદ્દા પર રહ્યા છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં સૌપ્રથમ એમ્બ્યુલન્સ સેવાનું કેન્દ્ર શરૂઆત તેઓના દ્વારા કરવામાં આવ્યું હતું.
આ તારીખે નિકળશે અંતિમયાત્રા : મૌલિનભાઈ વૈષ્ણવની અંતિમ યાત્રા તારીખ 17મી ઓગસ્ટના રોજ સવારે નવ કલાકે અરવિંદ બાગ (સમા-સાવલી રોડ ) તેમના નિવાસસ્થાનેથી નીકળી વડી વાડી સ્મશાને સવારે 10 વાગ્યે પહોંચશે. હાલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાનું નિધન થતા સમગ્ર કોંગ્રેસ પરિવાર શોકમગ્ન બન્યો છે.
આવી રીતે બન્યા માનીતા કાર્યકર : મૌલિન વૈષ્ણવે સેવાદળને પણ સમગ્ર ગુજરાતમાં મજબૂત બનાવ્યું હતું. જ્યારે કોઈપણ કોંગ્રેસના આગેવાનો ગુજરાતની મુલાકાતે આવ્યા હોય અથવા તો કોંગ્રેસના કાર્યક્રમો દરમિયાન સેવાદળ દ્વારા પ્રારંભમાં સલામી અને એકતાનું ગીત ગાવામાં આવતું હતું. તેઓ કોંગ્રેસના પાયાના કાર્યકર તરીકે સફળ કામગીરી નિહાળીને કોંગ્રેસના તમામ આગેવાનોના માનીતા કાર્યકર બન્યા હતા. ખાસ કરીને સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલના એક પરિવારજન તરીકેની આગવી ઓળખ પણ હતી.
વિવિધ જવાબદારીઓ નિભાવી : વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે પણ તેઓએ સેવા અદા કરી હતી. તદ્ઉપરાંત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના ઉપાધ્યક્ષ અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના મહામંત્રી તરીકે તેમજ મેરી ટાઈમ બોર્ડના અધ્યક્ષ તરીકે પણ વર્ષો સુધી સેવા આપી હતી. આમ વર્ષો સુધી એક ધનિષ્ઠ કાર્યકર તરીકે પક્ષમાં વફાદારી પૂર્વક કામગીરી કરી હતી. આજે કોંગ્રેસ પક્ષ પાસે મજબૂત નેતા જ્યારે નથી રહ્યા ત્યારે આવનાર સમયમાં કોંગ્રેસ માટે એક મોટી ખોટ વર્તાશે.
કોંગ્રેસને મોટી ખોટ પડશે : આ અંગે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના શહેર અધ્યક્ષ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, સ્વર્ગસ્થ મૌલિન વૈષ્ણવ એક કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા. તેઓ કોંગ્રેસ માટે એક મોટા પાયાના પથ્થર હતા અને તેઓની ખોટ ક્યારે નહીં પુરાય અને તેઓ એક મજબૂત નેતા હતા. તેઓના નિધનથી કોંગ્રેસ પક્ષનો મજબૂત પાયો તૂટ્યો છે. તેમણી ખોટ ક્યારે નહીં પુરાય સાથે અન્ય પણ કેટલાક કાર્યકરોએ તેઓન નિધનને લઈ દુઃખ વ્યક્ત કર્યું હતું.