વડોદરા : ગતરોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. આ પરિણામમાં સામાન્ય પરિવારમાંથી આવતા સંતાનોએ પણ ઝળહળતી સફળતાઓ પ્રાપ્ત કરી છે. ભલે પોતાના પિતાની સ્થિતિ સારી ન હોવા છતાં તેની અસર પરિણામ પર પડવા દીધી નથી. ત્યારે વડોદરાના લાલ અખાડા વિસ્તારમાં રહેતી ઉર્વશી કહારે પિતા ભાડાની ઓટો રીક્ષા ચલાવવાની સાથે બે દીકરીઓને ભણાવીને પરિવારને પણ સંભાળે છે. આવી સ્થિતિમાં ઉર્વશીએ 98.41 પર્સન્ટાઈલ મેળવી માતા પિતાના સપનાને સાકાર કરવા માંગે છે.
માતા-પિતાના સપના માટે પરિશ્રમ : ઉર્વશીના પિતા ભાડાની રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. દીકરી UPSCની પરીક્ષા પાસ કરી IAS બનવા માંગે છે. અભ્યાસ દરમિયાન પિતાની એક સમયે તબિયત લથડી હતી અને રીક્ષા ચલાવી શકતા ન હતા. છતાં પણ હિંમત હાર્યા વગર ઉર્વશી પોતાનો અભ્યાસ ચાલુ રાખી ધોરણ 12માં 750માંથી 644 માર્ક્સ મેળવ્યા હતા. હવે તે UPSCની પરીક્ષા માટે તૈયારી કરી રહી છે અને કોઈપણ સંજોગોમાં તે માતા-પિતાના સપનાને સાકાર કરવા માંગે છે.
પહેલા તો મને ખુબ જ ખુશી થઈ રહી છે. આટલા ટકા લાવવા માટે મેં 2 જ મહિના મહેનત કરી છે. મારા પિતાની તબિયત ખરાબ હોવાના કારણે હું જોઈએ તે પ્રમાણે મહેનત કરી શકતી ન હતી. મારા પિતાની તબિયતમાં સુધારો થયા બાદ અંતિમ બે મહિના મહેનત કરી હતી. આજે મને ભણાવવા કેટલીક સેવાભાવી સંસ્થાઓ પણ મદદ કરી રહી છે. અગાઉ મહેનત કરી હતી, પરંતુ પિતાની તબિયત બગડતાં તે જળવાઈ ન રહેતા પરીક્ષાના અંતિમ બે માસની મહેનતે મને આટલા ટકા આવ્યા છે જેથી હું ખૂબ ખુશ છું. - ઉર્વશી કહાર (વિદ્યાર્થીની)
UPSC પાસ કરવાનું સપનું : હાલમાં મારા પરિણામથી ખૂબ ખુશ છું, પરંતુ હવે મારુ સપનું છે કે હું UPSCની પરીક્ષા પાસ કરીને IAS બનવું છે. હાલમાં પણ મને સામાજીક સંસ્થા મદદ કરી રહી છે. જેની મદદથી હું હાલમાં UPSC પરીક્ષા માટે તૈયારી કરી રહી છું. ગરીબી દૂર કરવાનો એકમાત્ર ઉપાય છે અભ્યાસ કરવો.
દીકરીના પરિણામની ખુશી : ઉર્વશીના પિતા શૈલેષભાઇ કહારે જણાવ્યું હતું કે, મારી દીકરી સારું પરિણામ લાવી છે તેથી હું ખૂબ જ ખુશ છું. મને સામાજીક સંસ્થાઓ, સ્કૂલ અને વર્ગ શિક્ષક દ્વારા ખૂબ મદદ કરવામાં આવી છે. જેથી તેનું પરિણામ સારું આવ્યું છે. આજે મને ખુબ જ ખુશી છે કે મારી દીકરીએ સારું પરિણામ મેળવ્યું છે.