વડોદરા: શહેર ઉત્સવપ્રિય નગરી છે. આ શહેરમાં દરેક ઉત્સવોને ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યા છે. આવનારા રવિવારથી ગણેશોત્સવની શરૂઆત થનાર છે. જેને લઇ શહેરમાં તેમજ મધ્ય ગુજરાતમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે. ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી રહ્યા છે. મોટાભાગના લોકો POP મૂર્તિની સ્થાપના કરતા હોય છે. ત્યારે આવા વાતાવરણમાં વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ વલ્લભ નગર સોસાયટીમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના ગણેશ ઉત્સવના કાર્યકરો દ્વારા ઘાસના સૂકા પૂળામાંથી 13 ફૂટ જેટલી ઊંચી પ્રતિમા નિર્માણ કરવામાં આવી છે.
તૈયાર કરાઈ ગણેશજીની પ્રતિમા: વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ વલ્લભ નગર સોસાયટીમાં 400 ઘાસના પૂળામાંથી ગણેશજીની તૈયાર કરવામાં આવી છે. ગણેશ મંડળના કાર્યકર્તાઓ જણાવ્યું હતું કે, "આ વર્ષે ડાંગરના સૂકા ઘાસમાંથી ગણેશજીની પ્રતિમા તૈયાર કરવામાં કરી છે. અમારા શ્રી ગણેશ મંડળ દ્વારા વર્ષ 2010થી ક્રિએટિવ મૂર્તિની સ્થાપના કરી રહ્યા છીએ. જ્યારે વર્ષ 2016 થી ઇકોફ્રેન્ડલી હોમમેડ ગણેશજીની સ્થાપના કરી રહ્યા છીએ. પહેલા અમે ઘાસ, વાસ, કાગળ ન્યૂઝ પપેરના વેસ્ટમાંથી બનાવતા હતા. ત્યારબાદ નારિયેળના છોતરામાંથી મૂર્તિ બનાવી હતી. આ વર્ષે ડાંગરના ઘાસના પૂડામાંથી ગણેશજીની 13 ફૂટ ઊંચી પ્રતિમા તૈયાર કરી છે. આ મૂર્તિ બનાવવા માટે 350 થી 400 ઘાસના પૂળાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
5 થી 6 હજાર જેટલા ખર્ચે મૂર્તિ તૈયાર: ગણેશજીની સ્થાપના કરવા માટે 400 જેટલા ડાંગના ઘાસના પૂળાનો ઉપયોગ કર્યો છે. આ મૂર્તિ તૈયાર કરવા માટે બે થી અઢી માસ જેટલો સમય લાગ્યો હતો. પટ્ટી, સુતરી, કાથીના ઉપયોગ થકી આ પૂડાને બાંધવામાં અને ગૂંથવામાં આવ્યા છે. આ મૂર્તિ તૈયાર કરવામાં લગભગ 5 હજાર જેટલો ખર્ચ થયો છે. પરંતુ આ મૂર્તિ પર્યાવરણ માટે ખૂબ જ મહત્વની છે. કોરોનાકાળથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે.
પ્રદૂષણ મુક્ત વાતાવરણ: વડોદરા શહેરમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ખાસ કરીને 80 થી 90 ટકા મૂર્તિઓ પીઓપીની હોય છે. આ મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. પરંતુ તે ઓગળતી નથી અને પર્યાવરને ખૂબ નુકસાન કરે છે. એટલે શ્રી ગણેશ મંડળના યુવકો દ્વારા આ બાબતે વિચાર કરી એવી મૂર્તિનું સર્જન કરીયે કે તેનું યોગ્ય રીતે વિસર્જન થઈ શકે અને પર્યાવરણને નુકસાન પણ ન થાય. આજના યુગમાં પુષ્કળ પ્રમાણમાં પ્રદૂષણ થતું હોય છે. આ પ્રદૂષણ સામે રક્ષણ માટે ઇકોફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના કરવી જોઈએ.
ડેકોરેશનની કામગીરી પુરજોશમાં: આ શ્રીજીની મૂર્તિનું નિર્માણ મંડળના સ્વયંસેવકો અને બાળકો દ્વારા રાત દિવસ મહેનત કરી કરવામાં આવ્યું છે. ડાંગરના ઘાસના પૂળામાંથી બનાવેલ ગણેશજીની 13 ફૂટ ઊંચી મૂર્તિ બનીને તૈયાર થઈ ગઈ છે. હાલ મૂર્તિની આસપાસ સુંદર ડેકોરેશન કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જયારે આ મૂર્તિનું વિસર્જન પણ અનોખી રીતે કરવામાં આવનાર છે. વિસર્જન દરમિયાન મૂર્તિ ઉપર પાણીનો છંટકાવ કરી ત્યારબાદ ઘાસના પૂડા ગૌશાળામાં ગાયોના ચારા માટે આપી દેવામાં આવશે.