- વડોદરા શહેરમાં MGVCL મા નોકરી આપવાના બહાને છેતરપિંડી
- છેતરપિંડી કરવાની ઘટનાનો પર્દાફાશ
- નોકરીઇચ્છુક લોકો છેતરપિડીના ગુનામાં ફસાય છે
વડોદરાઃ શહેરમાં MGVCL મા નોકરી આપવાના બહાને લોકો સાથે લાખોની છેતરપિંડી કરવાની ઘટનાનો પર્દાફાશ થયો છે. ગાંધીનગરમાં મોટા નેતાઓ સાથે હોવાનુ જણાવી આરોપી હર્ષિલ લિંબાચીયાએ લોકો સાથે છેતરપિડી આચરી છે.
નોકરીવાસુ લોકો ભેજાબાજોના સંકજામા ફસાય છે અને ભેજાબાજો લાખોની છેતરપિંડી આચરતા હોય છે. વડોદરામાં પણ આવો જ એક વધુ કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં બોગસ માર્કસિટના કૌભાંડમા સંડોવાયેલા હર્ષિલ લિંબાચીયાએ ગાંધીનગરમા મોટા નેતાઓ સાથે હોવાનું જણાવી MGVCL મા નોકરી અપાવવાનું કહીને લોકો પાસેથી 45 લાખ રુપિયા લીધા હતા, ત્યારબાદ લોકો ઓર્ડર અથવા નાણા પરત માગતા ભોગ બનનારને વડોદરાના માજલપુરમાં બોલાવી તેમના પર હુમલો કર્યો હતો. જેના કારણે આખો મામલો માજલપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.
ભોગ બનનારા એક પરિવારના 7 સભ્યો પાસેથી નાણા પડાવ્યા હોવાની પોલીસને શંકા છે. માજલપુર પોલીસે ગુનો નોંધી ગાંધીનગર પોલીસને ફરિયાદ રીફર કરી છે છેતરપિડીના ગુનામાં વધુ તપાસ ગાંધીનગર પોલીસ કરશે.
છેતરપિડી કરી લોકો પર હુમલો
આરોપીએ ભોગ બનનારાને ભાજપના મોટા નેતાઓ સાથેના ફોટા બતાવી પોતે મોટી વગ ધરાવે છે, તેવુ જણાવીને વિશ્વાસમાં લીધા હતા અને નોકરી અપાવવાની લાલચ આપી હતી. કેટલાક લોકોને નોકરીના ઓર્ડર પણ આપ્યા હતા. જોકે નોકરી મળતા નાણા પાછા લેવા આવેલા લોકો પર હુમલો કરતા મામલો બહાર આવ્યો છે, ત્યારે પોલીસે આરોપી હર્ષિલ લિબાચીયા અને સાહુલ સિન્હાની ધરપકડ કરી હતી. જોકે આરોપી હર્ષિલ રીઢો ગુનાગાર છે અને અગાઉ સયાજીગંજ પોલીસ સ્ટેશનમા ડૂપ્લિકેટ માર્કસિટ બનાવવાના ગુનામાં અને વરણામા પોલીસ સ્ટેશનમા આર્મસ એક્ટ અને રાયોટીગના ગુનામા પણ પકડાયો હતો.