- જીલ્લા શિક્ષણ સમિતિની 16 શાળાઓનો વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સમાવેશ
- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરીએ વિધિવત ચાર્જ સોંપાયો
- જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, આચાર્યો ઓનલાઈન જોડાયા
વડોદરા: વડોદરાની મધ્યવર્તી સ્કૂલ સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે શનિવારે જીલ્લા શિક્ષણ સમિતિની 16 શાળાઓનો વિધિવત ચાર્જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાને સોંપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
16 શાળાઓના 4000 જેટલાં વિદ્યાર્થીઓ અને 100 જેટલાં શિક્ષકોનો થયો સમાવેશ
જીલ્લા શિક્ષણ સમિતિના અધિકારી અર્ચનાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે વર્ષ 2002માં વડોદરા શહેરમાં જે ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેના અંતર્ગત આવતી શાળાઓનો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને ચાર્જ સોંપવાનું જાહેરનામું વર્ષ 2020માં શિક્ષણ વિભાગે બહાર પાડતાં આજે 16 શાળાઓ કે જેના 4000 જેટલાં વિદ્યાર્થીઓ અને 100 જેટલાં શિક્ષકોનો સમાવેશ થાય છે. તેનો ચાર્જ વિધિવત રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપવામાં આવ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આવેલી 16 શાળાઓના પરિવારનું સ્વાગત છે અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો શાળાના વિકાસ માટે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સતત કાર્યરત રહેશે તેવું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલે જણાવ્યું હતું.
ઓનલાઈન ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી અધિકારીઓ જોડાયા
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આયોજીત કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલ, શાસનાધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અર્ચનાબેન ચૌધરી, વિપક્ષી સભ્ય નરેન્દ્ર જયસ્વાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કોરોના મહામારીને ધ્યાનમાં લઈ સમિતિના સભ્યો ઓનલાઈન ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમમાં જિલ્લા તેમજ શહેર પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો તેમજ સ્કૂલના આચાર્યો ઓનલાઈન ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી હાજર રહ્યા હતા.