- વડોદરા મહાનગરપાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત વિપક્ષને સ્થાન નહી
- પાલિકામાંથી વિપક્ષના બોર્ડ હટાવી લેવામાં આવ્યા
- કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા અને કોર્પોરેટરની ચીમકી
વડોદરા: મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ અને વિરોધ પક્ષના નેતા તરીકેનું સ્થાન કોંગ્રેસને પ્રણાલીના આધારે મળતું હતું, પરંતુ આ સ્થાન મેળવવા માટે પ્રજાની સ્વીકૃતિ હોવી જરૂરી છે પણ કોંગ્રેસ પાર્ટીએ પ્રજાનો વિશ્વાસ ગુમાવતા પાલિકામાં વિરોધ પક્ષનું સ્થાન મેળવવામાં નિષ્ફળ નીવડી છે. પાલિકામાં કોંગ્રેસને વિપક્ષનું સ્થાન નહીં અપાતા શનિવારે પાલિકાના પાર્કિંગમાં તેમજ પાલિકામાં વિપક્ષની કેબીન બહાર વિરોધ પક્ષ અને વિપક્ષી નેતાનું બોર્ડ હટાવી લેવામાં આવ્યું હતું. જ્યારે નવ નિયુક્ત હોદ્દેદારોના નવા નામજોગ બોર્ડ લગાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: વડોદરા જિલ્લા પંચાયતની સભામાં વિપક્ષી સભ્યોના હોબાળા વચ્ચે કોવિડ-19નો મુદ્દો ચર્ચામાં
નગરજનો સાથે ભ્રષ્ટાચાર થશે તો કોંગ્રેસ લડત આપશે જ: ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ
પાલિકામાં વિપક્ષને સ્થાન નહીં મળતા કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા અને કોર્પોરેટર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે આ અંગે સત્તાધારી પક્ષ ભાજપ સામે તીખા શબ્દોના પ્રહારો કરતા જણાવ્યું હતું કે, અમે વિપક્ષે આટલા બધા આક્ષેપો કર્યા અને ખાસ કરીને તમારા મંત્રીએ બે હજાર કરોડના કૌભાંડનો આક્ષેપ કર્યો. શહેરની મિલકતો વેચવા માટે નીકળ્યા છે. પાલિકાને કોન્ટ્રાકટ પદ્ધતિની કરી નાખી. સુપરવાઈઝર હોય, સિક્યુરિટી ગાર્ડ હોય, એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ હોય કે પાણી પુરવઠા અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ હોય બધા ડિપાર્ટમેન્ટને કોન્ટ્રાકટ પદ્ધતિમાં ધકેલી નાખ્યા છે.
આ પણ વાંચો: વડોદરા ભાજપ દ્વારા કોંગ્રેસને બદનામ કરતી પ્રેસનોટ બહાર પાડવામાં આવી
હોસ્પિટલો હોટેલો બની ગઈ છે: ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ
ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે કહ્યું કે, હાલ કોરોના મહામારીમાં જે રીતે આંકડા છુપાવવામાં આવી રહ્યા છે. ગરીબ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. હોસ્પિટલો હોટેલો બની ગઈ છે. દરેક દવાખાના નવા બની રહ્યા છે. તેમાં પણ ધંધો કરી નાખ્યો છે. કોર્પોરેશન 14 હજાર કરોડ રૂપિયા સરકાર પાસે માંગે છે પણ એનો અવાજ આ હોદ્દેદારો ઉઠાવતા નથી અને વડોદરા શહેરના નગરજનો પર ટેક્ષ પર ટેક્ષ નાંખી રહ્યા છે. ખર્ચા પર ખર્ચા કરવા છે. મિશન 76 ન હતું મશીન 76 હતું. જેને ઇવીએમ મશીનો બનાવ્યા તેઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું અને તમે ઈમાનદારીની વાતો કરતા હોય તો બેલેટ પેપરથી કેમ મતદાન કરતા નથી. ફરીથી મતદાન કરો પછી જઈએ લોકો વચ્ચે ખબર પડી જશે.
અમારા 7 સભાસદો છે, જે 70ની બરાબર છે: ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ
જોકે કોંગ્રેસ પક્ષ લોકોના દિલ જીતીને આવે છે. જો પાલિકામાં સ્થાન ન હોય તો આપવાની જરૂર નથી. અમારા 7 સભાસદો છે જે 70ની બરાબર છે. સાત સભાસદો વિપક્ષના નેતા જ છે. દરખાસ્ત બે જણથી જ ચાલે છે. અમને બોલવાનો હક છે જ્યારે હાલના ચૂંટાયેલાઓને માત્ર આંગળી ઊંચી કરવાનો હક છે માટે જ્યાં પ્રજા સાથે ચિટિંગ, ભ્રષ્ટાચાર કે ટેક્ષ વધારો તેમજ અન્ય હેરાનગતિઓ થશે તો કોંગ્રેસ લડત આપશે જ અને વિપક્ષના સ્થાન માટે કોર્ટમાં જઈશું, તેમ કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે જણાવ્યું હતું.