વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગમાં આગ લાગતા દોડધામ મચી હતી. વડોદરા ફાયર વિભાગને તાત્કાલિક ધોરણે જાણ કરીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવી ફાયર વિભાગે 30થી વધુ બાળકોનો જીવ બચાવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
મળતી માહિતી પ્રમણે, સયાજી હોસ્પિટલના પિડિયાટ્રીક વિભાગમાં આગ પર કાબૂ મેળવવા માટે પુરતા સાધનો નહોતા. જેના કારણે ઘટના સ્થળે પહોંચેલી ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
પિડીયાટ્રીક વિભાગના બાળકોના ICU વિભાગમાં ત્રીજા માળે એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. આ દુર્ઘટનામાં આશરે 35થી વધુ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જેમાંથી 30થી વધુ બાળકોને ICU વોર્ડ અને બીજા અન્ય બાળકો જનરલ વોર્ડમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં વડોદરા જિલ્લા કલેકટર, મેયર અને SSG હૉસ્પિટલ સુપ્રિટેન્ટેડ સહિતના અધિકારીઓ દર્દીઓની મુલાકાત લેવા હૉસ્પિટલ પહોંચ્યાં હતા.