વડોદરા: મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો લાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટની કચરાની ગાડીઓ દ્વારા સવારથી સાંજ સુધી સોંપેલા વિસ્તારોમાં ફરીને ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાનું કામ કરે છે. આ ડોર ટુ ડોરના વાહનચાલકો છેલ્લા 15 વર્ષથી આ કામગીરી કરી રહ્યા છે. પરંતુ, તેઓના પગાર ધોરણમાં કોઇ સુધારો કરવામાં આવ્યો નથી. આ અંગે અનેક વખત કોન્ટ્રાક્ટરને પગાર વધારવા માટે રજૂઆત કરવામાં આવી હોવા છતા કોન્ટ્રાક્ટર દ્વારા તેઓની રજૂઆત ધ્યાને લેવામાં આવતી નથી.
દરમિયાન બુધવારે 200 જેટલા ડોર ટુ ડોરના વાહનચાલકો હડતાળ ઉપર ઉતરી ગયા છે. જેને કારણે કચરાની ગાડીઓ શહેરની વિવિધ પોળો, સોસાયટીઓ, દુકાનોમાં કચરો લેવા માટે ન જતાં લોકોને પોતે જ પોતાના ઘરના કચરાનો નિકાલ કરવાનો વારો આવ્યો હતો. જેમાં સોસાયટીમાં લોકોએ કચરો નાખતા તે ભેગો થઇને પડી રહ્યો હતો.
કચરો લેવા માટે ડોર ટુ ડોર જતા ગાડીઓના ડ્રાઇવરો સાથે ગાડીઓમાં કચરો લેવા માટે રહેતા મજૂરો પણ આ આંદોલનમાં જોડાયા હતા. અને ડ્રાઇવરો સાથે મંજૂરોએ પણ પગાર વધારવાની માંગણી કરી હતી.