વડોદરાઃ સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે ભારત દેશ પણ આ મહામારીમાંથી બાકાત રહ્યો નથી. છેલ્લા 8 મહિનાથી દેશવાસીઓ કોરોનાના કારણે ત્રાહિમામ થઈ ગયા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિ, દશેરા, દુર્ગાપૂજા અને દિવાળીના તહેવારની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે. નવરાત્રિમાં માત્ર આરતી અને માતાજીની પ્રતિમાની સ્થાપના થઈ શકશે. 200થી વધુ વ્યક્તિઓ ઉપસ્થિત રેહશે નહિ, માતાજીની માત્ર આરતી કરી શકાશે અને પ્રસાદનું વિતરણ નહીં કરી શકાય. તહેવારોને લઈ રાજ્ય સરકાર દ્વારા નવી એસપી બહાર પાડવામાં આવી છે. જેમાં જાહેર નવરાત્રિ અને શેરી ગરબાનું આયોજન રદ કરવામાં આવ્યું છે.
વડોદરા શહેરે સંસ્કારી નગરી તરીકે અને ઉત્સવપ્રિય નગરી તરીકે જાણીતુ છે. આ વર્ષે નવલી નવરાત્રિ આગામી 17મી ઓક્ટોબરથી જ્યારે શરૂ થવાની છે ત્યારે સરકારની નવી ગાઇડ લાઇનથી ગાયકોમા નારાજગી ફેલાઈ છે.
ગાયકોનું કહેવું છે કે, સરકાર જ્યારે 200 વ્યક્તિની પરમિશન આપતી હોય ત્યારે 8 થી 10 જેટલા જે ગાયકો છે, જેમને પર્ફોમન્સ કરવાનું નથી. પરંતુ જો તેમને પર્ફોમન્સ કરવાની રજામંદી આપે તો કોરોનાની મહામારીના કારણે છેલ્લા 8 મહિનાથી ગાયકો બેરોજગાર થઇ ગયા છે તેમને રોજગારી પણ મળશે. જ્યારે સરકાર દ્વારા 15મી ઓક્ટોબરથી મલ્ટિપ્લેક્સ ખુલી રહ્યા છે અને ચૂંટણી પણ યોજાઈ રહી છે, ત્યારે ગાયકો જોડે આવો ભેદભાવ કેમ કરવામાં આવી રહ્યો છે.
સરકાર અમારા બેરોજગાર ગાયકોને રોજગારી આપે નહીં તો કોઈ પણ પ્રકારની સહાય આપે તેવી ગાયકો દ્વારા માગ કરવામાં આવી છે. ગાયકો દ્વારા પૂર્વે પણ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી સરકાર સુધી પોતાનો અવાજ પણ પહોંચાડવામાં આવ્યો છે. હવે જોવાનું એ છે કે, સરકાર આ ગાયકો માટે શું સહાય કરે છે.