વડોદરાઃ ડભોઇના કરાલી ગામે વસાવા પરિવાર અને પાટણવાડીયા પરિવાર વચ્ચે જૂના ઝઘડાની અદાવતે સર્જાયેલી તકરારે ઉગ્રસ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવમાં મહિલાને કેરોસીન છાંટી સળગાવી દેતા તેઓ ગંભીર રીતે આગથી દાઝી જતાં મહિલાને વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાઈ હતી. બનાવ અંગે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવતા ડભોઈ પોલીસે આગળની તપાસ હાથધરી છે.
ડભોઇ તાલુકાના કરાલી ગામે બનેલી ઘટના અંગે ડભોઇ પોલીસ સ્ટેશનમાં બંન્ને પરિવારની સામસામે ફરીયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં ડભોઇ તાલુકાના કરાલી ગામે રહેતા પ્રવિણ પાટણવાડીયા દ્વારા તેમના જ ગામે રહેતા રાહુલ વસાવા તેમજ વિશાલ વસાવાએ પ્રવિણભાઈ પાટણવાડીયાની પત્ની હંસાએ અગાઉ થયેલા ઝઘડાને લઇને થયેલી પોલીસ ફરિયાદનું સમાધાન કરવા અને બંને ફરીયાદ પાછી ખેંચી લેવા અંગે બંને પરિવારો વચ્ચે ફરી બોલાચાલી બાદ ઝઘડો થયો હતો.
જેમાં વિશાલ અને રાહુલ ઉશ્કેરાઈ જઇને અપશબ્દો બોલવા લાગ્યા હતા. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં રાહુલના પિતા પરસોત્તમભાઈ ત્રિકમભાઈ વસાવા અને ઉષાબેન પરસોતમ ભાઈ વસાવા આવી જતાં પ્રવીણભાઈ પાટણવાડિયા ઘરનો દરવાજો બંધ કરીને અંદર ગયા હતા. આ દરમિયાન દરવાજો તોડી ઉષાબેને પ્રવીણભાઈના પત્ની હંસાબેન પાટણવાડીયા પર કેરોસીન છાંટી તેમજ પરસોત્તમભાઈ દ્વારા દિવાસળી ચાંપી દઈ હંસાબેનને સળગાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
હંસાબેન સળગી ઉઠતાં બુમરાણ મચાવતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 તેમજ પોલીસને જાણ કરાઇ હતી. હંસા બહેનને વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં તેઓની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. જ્યારે સમગ્ર બનાવમાં સામે વિશાલભાઈ અરવિંદભાઈ વસાવાએ પણ પ્રવિણભાઈ પાટણવાડીયા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરીયાદ કરી છે અને જણાવ્યુ હતું કે, જૂના ઝઘડાનું સમાધાન કરવા જતાં ઉશ્કેરાઈ જઈ જેમ તેમ જાતિ વિરુદ્ધ અપશબ્દ બોલ્યા હતા, જેની ફરીયાદ નોંધાવવામાં આવી હતી. ડભોઇ પોલીસે બંનેની ફરિયાદને આધારે કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાનું ડી.વાય.એસપી. એસ.કે.વાડાએ જણાવ્યું છે.