- રાત્રી-બજાર પર લગાવાયા વિવાદાસ્પદ હોર્ડિંગ્સ
- કોંગ્રેસે કરી હરણી પોલીસ પાસે વધુ તપાસની માગ
- ભાજપને ઘટનાની કોઈ જાણ નથી : ભરત ડાંગર
વડોદરા : ચૂંટણી પ્રચારના પડઘમ શુક્રવારે સાંજે શાંત થવાના છે, ત્યારે તેની આગલી રાત્રે રાત્રિ બજાર ખાતે કોંગ્રેસના લખાણવાળા હોર્ડિંગ્સ લગાવતા ટેમ્પાચાલકને પાણી ગેટ પોલીસે અટકાયત કરી છે. હરણી પોલીસ સ્ટેશનના અધિકારી આર. એસ. બારીયાએ જણાવ્યું હતુ કે, અરજદાર ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે માટે હજૂ સુધી ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. ફરિયાદી રૂબરૂ ફરિયાદ કરશે ત્યારે ફરિયાદ દાખલ કરશે અને ગુનો દાખલ કરવામાં આવશે. ફરિયાદીએ મોડી રાત્રિ અરજી આપી હતી.
કોંગ્રેસે કરી પોલીસ ફરિયાદ
કોંગ્રેસ અને ભાજપ સામ સામે આવી જતા કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણી કમિશનરે હોર્ડિંગ્સ લગાવવાની પરમિશન આપી છે, પરંતુ કોઈ પક્ષ વિરોધી હોર્ડિંગ્સ લગાવવા એ યોગ્ય નથી. પોલીસ વધુ તપાસ કરશે અને અમે ફરિયાદ પણ દાખલ કરાવી છે, જેથી એની પાછળ કોનો હાથ છે અને કોના કહેવાથી આ કરવામાં આવ્યું છે તેની જાણ થશે. અમને પોલીસ પર વિશ્વાસ છે કે તેઓ નિષ્પક્ષ તપાસ કરશે.
ભાજપને હોર્ડિંગ્સ વિશે કોઈ જાણકારી નથી
જ્યારે ભાજપના પ્રવક્તા ભરત ડાંગરને હોર્ડિંગ્સ વિશે પૂછવામાં આવ્યુ ત્યારે તેમને જણાવ્યું હતું કે, હોર્ડિંગ્સ મામલે કંઈ કહેવા જેવું નથી, ભાજપના હોર્ડિંગ અહીં કોણે લગાવ્યા એ અમને ખબર નથી.