વડોદરાઃ શહેર નજીક આવેલા દરજીપુરા ગામમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ ગ્રામજનો તંત્રના પાપે નર્ક ગાર ભર્યું જીવન ગુજારવા મજબૂર બન્યા છે. ગ્રામજનોના કહ્યાં મુજબ દરજીપુરા ગામમાં છેલ્લાં 80 વર્ષોથી રોડ રસ્તા, આરોગ્ય , સ્મશાન, તેમજ પીવાના પાણી જેવી અનેક પ્રાથમિક સુવિધાઓથી લોકોને વંચિત રખાયા છે.
2015 બાદ દરજીપુરા ગામનો કોર્પોરેશનમાં સમાવેશ કર્યા બાદ પણ આજદિન સુધી સ્થાનિક કાઉન્સિલર કે, ધારાસભ્ય આ ગામમાં દેખાયા નથી. રોડ, રસ્તા, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવા અનેકો વખત તંત્રને રજુઆત કરવામાં આવી તેમ છતાં આ ગામને નજર અંદાજ કરવામાં આવી રહ્યું હોઈ તેમ લાગી રહ્યું છે.
દરજીપુરા ખાતે ગ્રામજનોએ એકત્ર થઈ લાઉડ સ્પીકર મારફતે કોર્પોરેશન અને ધારાસભ્ય વિરુદ્ધ ભારે સુત્રોચ્ચારો કર્યા હતા. તેમજ આકરા શબ્દોના પ્રહારો કરી તંત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અને જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો કોર્પોરેશનનો ઘેરાવો કરી આંદોલન કરવામાં આવશે. તેવી ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી હતી.