વડોદરાઃ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં વડોદરા જિલ્લાનો સમાવેશ નહીં કરવામાં આવતા ડભોઇ તાલુકાના સરપંચોએ એસ.ડી.એમ ને આવેદનપત્ર આપી કિસાન સહાય યોજનામાં સમાવેશ કરવા રજૂઆત કરી હતી.
ડભોઇ તાલુકાના 117 ગામ અને 83 જેટલા સરપંચ દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત વડોદરા જિલ્લાનો સમાવેશ નહીં કરાતા નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. જેમાં ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. ત્યારે તમામ વિસ્તારના ગ્રામ સેવકો દ્વારા સર્વે કરી રેકોર્ડ તૈયાર કરવામાં આવ્યો હતો.
જેમાં તુવેર દિવેલા અને કપાસના પાકને 100 ટકા તથા બીજા પાકમાં 70થી 80 ટકા જેટલું વ્યાપક નુકશાન થયું છે. છતાં પણ સરકાર દ્વારા વડોદરા જિલ્લાની બાકાત રાખવામાં આવયો છે. જેના અનુસંધાનમાં ડભોઇ તાલુકાના સરપંચો દ્વારા ડભોઇ તાલુકાના ખેડૂતોને કિશાન સહાય યોજનામાં યુદ્ધના ધોરણે સમાવેશ કરવામાં આવે તેવી સમગ્ર ખેડૂતો દ્વારા સરકારને અપીલ કરવામાં આવી હતી. જેમાં ડભોઇ તાલુકા સમિતિ પ્રમુખ બારોટ સુધીરભાઈ તેમજ મોટી સંખ્યામાં સરપંચો હાજર રહ્યા હતા, ત્યારે વડોદરા જિલ્લાના ધારાસભ્યો શૈલેષ મહેતા 140-ડભોઇ વિધાનસભા, કેતન ઈનામદાર સાવલી વિધાનસભા તેમજ જશપાલસિંહ પડીયાર પાદરા વિધાનસભા આ ધારાસભ્યો દ્વારા સીએમ વિજય રૂપાણી પણ રજૂઆત કરવામાં આવી હતી.