વડોદરા : સમગ્ર રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની દહેશત વચ્ચે શહેરના ધન્યાવી રોડ પર આવેલી સૂર્યનગર સોસાયટીમાં મહિલા પર દિવાલ ધરાશાયી થઈ છે. દિવાલ ધરાશાયી થતા મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. મહિલાને તાત્કાલિક શહેરની સયાજી હોસ્પિટલમાં 108 મારફતે ખસેડવામાં આવી હતી. ત્યાં હાજર તબીબે મહિલાને મૃત જાહેર કરતા પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી.
દીવાલ ધરાશાયી થતા મૃત્યુ નીપજ્યું : મળતી વિગતો અનુસાર શહેરના ધનિયાવી રોડ પર આવેલી સૂર્યનગર સોસાયટીમાં રહેતા પ્રેમીલા માનસિંગભાઈ સોલંકી (ઉ.વર્ષ 53) ઘરે પશુની સંભાળ દરમિયાન એકાએક બાજુમાં રહેલી દીવાલ ભારે પવનના કારણે ધરાશાયી થઈ હતી. દીવાલ ધરાશાયી થતાં પ્રેમીલાબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન હજાર તબીબે મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તેઓના પરિવારમાં પતિ, 3 પુત્રી અને એક પુત્ર છે. પરિવારમાં પત્ની અને માતાનું મૃત્યુ થતાં ગમગીની ફેલાઈ હતી.
સૂર્યનગર ચિકોદરા વિસ્તારમાં આજે સવારે 8 વાગ્યાના સુમારે ભારે પવન ચાલતો હતો, ત્યારે ભેંસને ઘાસચારો નાખવા ગયા હતા. આ દરમિયાન અચાનક બાજુમાં બાઉન્ડરી કરેલી દીવાલ ધરાશાયી થતા બેન દબાયા હતા. સ્થાનિકોએ તેઓને બહાર નીકળી 108 મારફતે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરિવારમાં 3 પુત્રી અને 1 પુત્ર છે. તેઓને હોસ્પિટલમાં લાવ્યા, પરંતુ તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈ ફાયરના કર્મીઓ પણ પહોંચ્યા હતા. - લક્ષ્મણભાઈ (પાડોશી)
વારંવાર રજૂઆત છતાં ધ્યાન પર ન લીધું : આ અંગે પાડોશી જનક વાળંદે જણાવ્યું હતું કે, આ ઘટના સવા આઠ વાગે બની હતી. આ દીવાલ ક્રેક બાબતે વારંવાર રજૂઆત કરી હતી, છતાં કોઈ પગલાં લીધા ન હતા. આજે આ દીવાલ અચાનક બહેન પર પડતા તેઓ દટાયા હતા. તેઓ પશુપાલન દ્વારા પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેઓની બાજુમાં એક ખેતર છે તેની બાઉન્ડ્રી મારેલી હતી.