વડોદરા: સમગ્ર રાજ્યમાં બિપરજોય વાવાઝોડાના પગલે ભારે દહેશત જોવા મળી રહી હતી. ગત રોજ વડોદરા શહેરમાં બિપરજોય વાવાઝોડાના કારણે ભારે પવન સાથે એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સમી સાંજે આવેલા વાવાઝોડા અને વરસાદથી શહેરમાં 73 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે. કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. સાથે શહેરના દંતેશ્વર વિસ્તારમાં વૃક્ષ ધરાશાહી થતા એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો. આ ઉપરાંત વડોદરા જિલ્લા કલેક્ટરે શાળા અને કોલેજમાં આજે રજા જાહેર કરી હતી.
વૃક્ષ પડતા યુવક ઘાયલ: ભારે વાવાઝોડા સાથે વરસેલા વરસાદને પગલે શહેરીજનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. શહેરની ઘડિયાળી પોળમાં રહેતો 38 વર્ષીય યુવક રિતેશ જાદવ બાઇક લઇને નોકરી પર જઇ રહ્યો હતો. તે સમયે દંતેશ્વર વિસ્તારમાં વિશાળ વૃક્ષ તેની પર પડતા તે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
શાળા કોલેજોમાં રજા જાહેર: આ સ્થિતિને જોતા વડોદરા કલેક્ટર અતુલ ગોર દ્વારા તમામ શાળાઓમાં રજા જાહેર કારવમાં આવી હતી જેથી અન્ય કોઈ પણ મુશ્કેલીઓ ન સર્જાય. આ સાથે શહેર નજીક આવેલ દેણા ગામમાં પણ કેટલાક ઘરોના પતરા ઉડી ગયાની વિગતો સામે આવી છે. હાલમાં શહેર જિલ્લામાં વરસાદના છુટા છવાયા ઝાપટા પડી રહ્યા છે.
અનેક વૃક્ષો ધરાશાયી: સાંજના સુમારે એકાએક આવેલ વાવાઝોડાના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો, હોર્ડિંગ્સ, વીજવાયરો તૂટવાની ઘટનાઓ સામે આવી હતી. વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને સતત કોલ મળી રહ્યા હતા. શહેરમાં 70 થી વધુ વૃક્ષો પડવાની વિગતો મળી હતી તો કેટલીક જગ્યાએ મોટી ઇમારતમાંથી પાણીની ટાંકી નીચે આવીને પડી હતી.
વિવિધ ટીમો કામે જોતરાઈ: શહેરમાં સમી સાંજે આવેલ વાવાઝોડાના પગલે શહેરમાં અફર તફરીનો માહોલ સર્જાયો હતો. બઝારોમાં એકાએક આવેલા વાવાઝોડા ના કારણે વેપારીઓ પોતપોતાની દુકાનો બંધ કરી દીધી હતી. દરમ્યાન વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના સેન્ટર પર સતત ટેલિફોનની રિંગ વાગતી જોવા મળી હતી. શહેરમાં ઠેર ઠેર વૃક્ષો અને હોલ્ડિંગને નુકસાન થયાના સમાચાર માળતા જ જે તે સ્થળે રવાના થવાનું શરૂ કરી દીધું હતું. તો બીજી બાજુ વીજ કંપનીની ટીમોએ પણ કોલ મળતાની સાથે જ જે તે વિસ્તારોમાં પહોંચીને ખોરવાઈ ગયેલો વીજ પુરવઠો શરૂ કરી દીધો હતો.
ક્યાં કેટલો વરસાદ પડ્યો: વડોદરામાં 28 મિમી, પાદરામાં 21 મિમી, ડેસરમાં 31 મિમી, ડભોઇ 02 મિમી, સીનોર 15 મિમી, સાવલી 8 મિમી, વાઘોડિયા 12 મિમી, કરજણ 09 મિમી વરસાદ ખાબક્યો હતો. હાલમાં પણ શહેર જિલ્લામાં વાતાવરણ વરસાદી છે અને છુટા છવાયા ઝાપટા પડી રહ્યા છે.