વડોદરાઃ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ઓસરતાં જ મગરો બહાર નીકળવાની ઘટના સામે આવી રહી છે. જિલ્લાની વિશ્વામિત્રી નદીનાં પાણી ઓસરતા મગર માનવ વસાહત નજીક આવી ચડ્યા હતા. જીવ દયા પ્રેમી સંસ્થા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ હેલ્પ લાઈન નંબર પર મગરો અંગેના ફોન આવ્યા હતા. જેેથી ટ્રસ્ટના સ્વયંસેવકો અને વન વિભાગના કર્મચારીઓ સાથે મળી ત્રણ અલગ અલગ વિસ્તારોમાંથી મગરોનું રેસ્ક્યૂ કર્યું હતું.
વડોદરાના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ઓસરતાં જ મગરો બહાર નીકળીને માનવ વસાહત નજીક આવી ચડ્યા હતા. જીવ દયા પ્રેમી સંસ્થા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ હેલ્પ લાઈન નંબર પર મગરો અંગેના ફોન આવ્યા હતા. પ્રથમ ઘટનામાં શ્રેયસ સ્કૂલની સામે આવેલા વિશ્વ જયોત સોસાયટી નજીકથી પસાર થતી વરસાદી કાસમાં મગર દેખાયો હતો. જે એક કુતરાનો શિકાર કરવા બહાર નીકળીને રસ્તામાં આવી ગયો હતો. જેથી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટની ટીમે ઘટના સ્થળે પહોંચી 8 ફૂટના મગરનું રેસ્ક્યૂ કર્યું હતું. ત્યારબાદ આ મગરને સહી સલામત વન વિભાગને સોંપ્યો હતો.
બીજી ઘટનામાં વિશ્વામિત્ર નદી પાસે આવેલા પરશુરામ ભઠઠાનાં રણજિત નગરમાં નદીમાંથી નીકળીને મગર રહેણાક વિસ્તારમાં આવી ગયો હતો. જેથી સંસ્થાના કાર્યકર્તાઓ ત્યા પહોંચી 2 ફૂટના મગરનું રેસ્ક્યૂ કર્યું હતું.
ત્રીજી ઘટનામાં કલાલી પરમહંસ હોસ્પિટલ નજીકના વિસ્તારમાં મગર રસ્તા પર જોવા મળ્યો હતો. જેથી ટ્રસ્ટની ટીમ ઘટના સ્થળે પહોંચી 5 ફૂટના મગરનું રેસ્ક્યૂ કર્યું હતું. આમ એક જ રાત્રીમાં ત્રણ વિવિધ સ્થળોથી મગરનું રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યા હતા.