વડોદરા : શહેરના સલાટવાડા વિસ્તારમાં સ્ક્રોપિયો કાર લઇને ગાયની તસ્કરી કરતી ટોળકીનો વીડિયો તાજેતરમાં વાઈરલ થયો હતો. આ વીડિયો વાઈરલ થયા બાદ કારેલીબાગ પોલીસ મથકમાં રબારી સમાજ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી, ત્યારબાદ આ ગાય ચોરીના કૌભાંડની તપાસ ક્રાઇમ બ્રાંચ દ્વારા શરૂ કરવામાં આવી હતી. DCP ક્રાઇમ જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચના PSI એસ.એમ.ભરવાડ તથા તેમની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
જેમાં બાતમીના આધારે અલ્તાફ હુશેન શેખની ધરપકડ કરી અને તેની પૂછપરછ કરતા ચોરી કરેલી ગાય ફઝલ શફિક રોબરને વેચી હોવાની કબુલાત કરી હતી. જે કબુલાતના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે ટંકારીયા ખાતે પહોંચી ફઝલ રોબરની ધરપકડ કરી અને 7 ગાય-વાછરડા, બે સ્ક્રોપિયો કાર, એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 4,45,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ સાથે ગાય ચોરી કરવા માટે વાપરવામાં આવેલE બે સ્ક્રોપિયો કાર કબ્જે કરી હતી. બીજી બાજુ પોલીસે આ ગાયની તસ્કરીમાં સંડોવાયેલા અને સ્ક્રોપિયો કારના માલિક ઇલિયાસમામા, ગાયો ઉઠાવનાર મકબુલ સત્તાર મન્સુરી, અકબર, ટેક્ષી નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.