વડોદરાઃ રાજનીતિમાં એક કદાવર મહિલા તરીકે સશક્ત ભૂમિકા ભજવનાર અને ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યપ્રધાનનું સન્માન મેળવનાર હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે વડોદરા આવ્યાં હતાં. જેમણે પુત્રી અનાર પટેલના અનોખા ક્રાફ્ટરૂટ એક્ઝિબિશનને ખુલ્લું મૂક્યું હતું.
અનાર પટેલ આ પ્રકારના ક્રાફ્ટરૂટનું આયોજન છેલ્લા 20 વર્ષથી કરે છે. આ વર્ષે ક્રાફ્ટરૂટ પ્રદર્શન હોટેલ સૂર્યા પેલેસ ખાતે ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં દેશભરના કલાકારો દ્વારા બનાવવામાં આવેલા જ્લેલરી, કપડાં, ફર્નિચર, ગૃહ સજાવટની વસ્તુઓ ગિફ્ટ આર્ટિકલ્સ સહિત વિવિધ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થશે. જેના થકી દેશભરના કલાકારોને એક ઓળખ અને આર્થિક સધ્ધરતા મળશે.
આમ, કલાકારોને પ્લેટફોર્મ પુરૂ પાડી તેમની કલાને જગવિખ્યાત કરવા માટે પ્રયાસ કરનાર અનાર પટેલના ક્રાફ્ટરૂટના પ્રારંભ પ્રસંગે આનંદીબેન પટેલ સહિત કેન્દ્રીય પ્રધાન રીટા બહુગુણા જોશી, સાંસદ રંજન ભટ્ટ, જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, ધારાસભ્ય શૈલેષ સોટ્ટા, સહિત અગ્રણીઓ ખાસ હાજર રહ્યાં હતાં.