- કરજણમાં ધનવંતરી આરોગ્ય રથ દ્વારા કોરોના ટેસ્ટિગની કામગીરી
- કરજણ મિયાગામ રોડ પર દુકાનદારોના કોવિડ ટેસ્ટ કરાયા
- તમામ દુકાનદારોને રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્યની ટીમે હાશકારો અનુભવ્યો
વડોદરા : રાજ્યભરમાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ ચાલી રહેલી કોવિડ 19 ની કામગીરી અંતર્ગત કરજણ મીયાગામ રોડ ઉપર આવેલ દુકાનદારોના કોરોના ટેસ્ટિગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કોરોનાને મ્હાત આપવા રાજ્યનું આરોગ્ય વિભાગ સજ્જ
કોરોના સંક્રમણને અટકાવવા માટે ફરીથી ડોર ટુ ડોર સર્વે કરી કોરોના ટેસ્ટિગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે કરજણ મિયાગામ રોડ પર આવેલી દુકાનોમાં દુકાનદારોના કોરોનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં હાઇવેના માર્ગ પર ધનવંતરી આરોગ્ય રથ ફેરવી કોરોના ટેસ્ટિગની કામગીરી કરવામાં આવી હતી.
30 જેટલા દુકાનદારોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા
કોરોનાની ચેઈનને તોડવા માટે હવે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી આરોગ્ય રથ ફેરવી અર્બન હેલ્થ સેન્ટરોની ટીમો દ્વારા જિલ્લાઓમાં લોકોના આરોગ્યની ચકાસણી સાથે કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત બુધવારે કરજણ મિયાગામ રોડ પર આવેલી દુકાનોમાં અર્બન હેલ્થ સેન્ટરની એફ.એ.ડબ્લ્યુની ટીમ દ્વારા 30 જેટલા દુકાનદારોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.