- વિધાનસભાની 8 બેેઠક પર પેટા ચૂંટણી
- કરજણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહે કર્યું મતદાન
- આ બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો
વડોદરાઃ કરજણ બેઠક પર 9 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. કરજણ બેઠક પર 1,04,834 પુરૂષ અને 99,761 સ્ત્રી તેમજ અન્ય 13 સહિત કુલ 2,04,608 મતદારો નોંધાયા છે.
કુલ 311 મતદાન મથક...
246 મુખ્ય મતદાન મથકો અને 65 પૂરક સહિત કુલ 311 મતદાન મથકો પર મતદાન થઇ રહ્યું છે. કરજણના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ મતદાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, હું કરજણ અને શિનોરના મતદારોને મતદાન કરવા માટે અપીલ કરૂ છું. આ લડાઇ કરજણની જનતા અને પક્ષપલટુ ઉમેદવાર વચ્ચેની છે. જેમાં જનતા પોતાનો આક્રોશ ઠાલવશે અને કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવશે. મતદાનનો ઉત્સાહ એ દર્શાવે છે કે, પ્રજા પક્ષપલટુને પાઠ ભણાવવા માંગે છે.
પેટા ચૂંટણીને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત...
કરજણ બેઠકની પેટા ચૂંટણીને લઇને આજે તમામ 311 મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ચૂંટણીમાં પહેલીવાર સરકારની કોવિડ-19 ગાઈડલાઈન મુજબ દરેક મતદારોને મતદાન કરવા માટે હેન્ડ ગ્લોવ્ઝ આપવમાં આવી રહ્યા છે. તેમજ મતદાન મથકમાં પ્રવેશતા થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ મતદાન કરવા દેવામાં આવી રહ્યું છે અને હેન્ડ સેનેટાઇઝ અને માસ્ક પણ ફરજિયાત છે. આ ઉપરાંતે પીપીઇ કીટ રાખવમાં આવેલી છે. જો કોઈ કોવિડ-19 શંકાસ્પદ જણાઈ આવે તો પીપીઈ કીટ પહેરાવીને મતદાન કરાવવામાં આવશે. કોરોના મહામારીને ધ્યાને લઈ મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.