વડોદરાઃ જિલ્લામાં દિન-પ્રતિદિન વધી રહેલા કોરોનાના વ્યાપને કારણે બુધવારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વડોદરાની મુલાકાત લીધી હતી. વહીવટી તંત્ર સાથે બેઠક યોજી મુખ્ય પ્રધાને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઉપરાંત તેમને આગામી તહેવારોને પણ ધ્યાનમાં લઈને આયોજકો જ આ વર્ષે સ્વયંભૂ તહેવારો નહીં ઉજવવાનો નિર્ણય લેવા માટે અપીલ કરી હતી.
વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાઇરસના વધી રહેલા કેસોને ધ્યનમાં રાખીને બુધવારના રોજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ વડોદરા પહોંચ્યા હતા. તેમની સાથે વડોદરા કલેક્ટર શાલિની અગ્રવાલ, OSD વિનોદ રાવ, અનિલ મુકીમ, મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ પણ જોડાયા હતા. આ બેઠક વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેલા ધારાસભા હોલમાં યોજાઈ હતી.
આ બેઠકમાં કોરોના વાઇરસનો વ્યાપ અટકાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન વડોદરા શહેર જિલ્લાના ધારાસભ્યો, મહાનગરપાલિકાના મેયર અને પદાધિકારીઓ તેમજ IMAના વડોદરા બ્રાન્ચના અગ્રણી તબીબો સાથે તબક્કાવાર બેઠક યોજીને સ્થિતિની વિગતો મેળવીને માર્ગદર્શન આપ્યું હતું.