વડોદરાઃ ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા જિલ્લા શિક્ષણા અધિકારીની કચેરીએ લોકડાઉનમાં પણ આડેધડ ફી ઉઘરાવતી શાળાઓના વિરોધમાં નાગરિક ઉપભોક્તા અધિકાર સંગઠને અર્ધનગ્ન થઈને વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુું હતું.
વડોદરા સહિત રાજ્ય ભરમાં કોરોનાની મહામારી સમયે શાળાઓ અને કોલેજો બંધ હતી. જે બાદ શાળાઓ દ્વારા ઓનલાઈન કલાસરૂમ શરૂ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારની સ્પષ્ટ સૂચના છતા શિક્ષણ માફિયા બની ગયેલા શાળા સંચાલકોએ વાલીઓ પાસેથી ફીની ઉઘરાણી શરૂ કરી છે. કેટલીક શાળાઓ તો ફી ન ભરે તો બાળકને શાળા છોડ્યાનો દાખલો આપી દેવાની ધમકી પણ ઉચ્ચારી રહ્યા છે.
શિક્ષણ માફિયાઓ સામે લાચાર સરકાર પણ જાણે કોઈ પગલાં ન લઈ શકતી હોવાના કિસ્સાઓ પણ સપાટી પર આવ્યા છે. હવે તો બેશર્મી પર ઉતરેલા શાળા સંચાલકો ઓનલાઈન કલાસની સાથે-સાથે હજી શાળાઓ શરૂ નથી થઈ ત્યાં તો બાળકોને યુનિફોર્મ અને શાળામાંથી જ નોટબૂક લેવા માટે દબાણ કરી રહ્યા છે.
મધ્યમ વર્ગીય પરિવારો માટે હાલ જ્યાં આર્થિક કટોકટી સામે આવીને ઉભી છે, ત્યાં તો શાળા સંચાલકોની ઉઘાડી લૂંટ સામે તંત્ર પણ કોઈ એક્શન લેતું નથી. જેના સામે નાગરિક ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે અર્ધનગ્ન થઈને વિરોધ નોંધાવ્યો હતો..