વડોદરા: દશામાનું વ્રત હવે પૂર્ણતાના આરે છે. વ્રતની પૂર્ણાહુતિ સાથે દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે. જોકે મ્યુનિસિપલ કમિશ્નરે તળાવમાં મૂર્તિનું વિસર્જન કરવા પર પ્રતિબંધ લગાવી પરિપત્ર જાહેર કરતા વિવાદ સર્જાયો છે.
જેને લઇ સામાજિક કાર્યકર જય ઠાકોર, સ્વેજલ વ્યાસ, નારાયણ રાજપુત સહિતના કાર્યકરોએ વિરોધ કર્યો છે. સામાજિક કાર્યકરોએ આ મુદ્દે મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર આપી પરિપત્ર રદ્દ કરવા માગ કરી હતી.
સામાજિક કાર્યકરોએ પરિપત્ર રદ્દ ન થાય અને મૂર્તિ વિસર્જનની વ્યવસ્થા નહીં કરાય તો આંદોલનની પણ ચીમકી આપી છે. દશામાની મૂર્તિઓ પર પ્રતિબંધ સામે વધતા વિરોધ અને વિવાદ વચ્ચે મ્યુનિસિપલ કમિશ્નર નલિન ઉપાધ્યાયે પણ પ્રતિક્રિયા આપી હતી.