પોરબંદરઃ કેરીને ફળોનો રાજા ગણવામાં આવે છે. સામાન્ય રીતે ઉનાળામાં પાકતી કેસરી કેરીએ ભરશિયાળે પોરબંદરની બજારમાં એન્ટ્રી કરીને કેરીના સ્વાદના શોખીનોને નવાઈ પમાડી છે.. શિયાળાની હાલની સીઝનમાં પોરબંદરના બરડા ડુંગરમાં કેરીનો ફાલ આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.
રૂ.7500માં વેંચાયુ 10 કિલો કેસર કેરીનું બોક્સઃ ત્રણ દિવસ પહેલાં પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં સાડા આઠ હજાર રૂપિયાની 10 કિલો વહેંચાયેલી કેસર કેરીએ કેરીના સ્વાદના શોખીનોને આકર્ષ્યા છે. ત્યારે ફરી પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના એક બોક્સની આવક થતા 10 કિલો કેસર કેરીનું બોક્સ સાડા સાત હજાર રૂપિયામાં વેંચાયું હતું અને વેપારીઓ સહિત લોકોમાં પણ ઉત્સુક્તા જોવા મળી હતી..
ત્રણ દિવસ પહેલા રૂ.851ની કિલો વહેંચાઈ કેસર કેરી
પોરબંદરમાં ત્રણ દિવસ પહેલા બરડા ડુંગરની ફેમસ કેસર કેરી 8,500 રૂપિયાની 10 કિલો વેચાઈ હતી, જ્યારે ત્રણ દિવસ બાદ ફરી એક બોક્સની આવક થતા આ કેરી માર્કેટિંગ યાર્ડમાં આવતા 10 કિલો કેસર કેરી 7,500 રૂપિયામાં વેચાણ થયું હતું અને વેપારીઓ સહિત લોકો પણ નવાઈ પામી ગયા હતા,
''પોરબંદરનો બરડો પંથક સિંહને તો અનુકૂળ આવી ગયો છે અને જંગલ સફારી પણ બની છે, ત્યારે કેસર કેરીને પણ હવે બરડાનું વાતાવરણ અનુકૂળ આવી ગયું છે અને હવે બરડામાં કેસર કેરીની પણ શિયાળામાં આવક શરૂ થઈ ગઈ છે. આ વર્ષે કેસર કેરીનો વધુમાં વધુ ફાલ આવે તેવી શક્યતાઓ અત્યારથી જ વર્તાઈ રહી છે. એક વર્ષ અગાઉ 701ની કિલો કેસર કેરી વેંચાઈ હતી, ત્યારે એક કેરીનું વજન 250 થી 300 ગ્રામ જેટલું હતું. આ કેરી અંદરથી પીળી અને ઉપરથી કેસરી હોવાનું અને ખાવામાં પણ મીઠી હોઈ છે. - નીતિનભાઈ દાસાણી, ફ્રૂટના વેપારી, પોરબંદર માર્કેટિંગ યાર્ડ
દેશ-વિદેશમાં બરડાની કેસર કેરીની માંગઃ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં સુદામા ફ્રૂટ નામની દુકાન ધરાવતા નીતિનભાઈ દાસાણીના જણાવ્યા અનુસાર બરડાની કેસર કેરી ન માત્ર ગુજરાત પરંતુ દેશ-વિદેશમાં પણ વખણાય છે. ગીરની કેસર કેરી બાદ બરડાની કેસર કેરીની બોલબાલા પણ વિશ્વમાં થઈ રહી છે અને ઇઝરાયેલ, યુકે તથા આફ્રિકા જેવા દેશોમાં બરડાની કેસર કેરી નિકાસ થઈ રહી છે. તેઓ આગળ ઉમેરે છે કે, બરડા ડુંગરમાં તાજેતરમાં જ જંગલ સફારીનો પ્રારંભ થયો હોય અને સિંહોને એટલે કે જંગલના રાજાને બરડાનું વાતાવરણ અનુકૂળ આવ્યું છે તેમ કેસર કેરીને પણ આ વાતાવરણ અનુકૂળ આવ્યું છે.