વડોદરા: છેલ્લા એક સપ્તાહથી ભરપૂર પડી રહેલી ઠંડી અને આગામી દિવસોમાં પણ પડનારી ભારે ઠંડીના કારણે જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકોને સવારની પાળીનો સમય સવારે 8 વાગે કરવા પરિપત્ર જારી કર્યો છે. પરિપત્રમાં જણાવ્યું છે કે, આગામી તારીખ 23-1-023થી આ પરિપત્રનો અમલ બીજી સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી કરવાનો રહેશે. અલબત્ત શાળાના સમયમાં ફેરફાર કરવાના કારણે બાળકોના અભ્યાસ પર કોઈ અસર ન પડે તેનું પણ ધ્યાન રાખવા માટે પરિપત્રમાં જણાવાયું છે. આ અંગે વાલી મંડળ દ્વારા પણ અગાઉ રજુઆત કરાઈ હતી.
કડકડતી ઠંડી પડતા સમયમાં ફેરફાર: સવારથી જ શરૂ થતાં સુસવાટા મારતા ઠંડા પવનના કારણે ઠંડીનું જોર વધુ રહે છે. પરિણામે સવારની પાળીમાં સ્કૂલોમાં જતાં કે.જી.ના ભૂલકાંઓથી લઈને સવારની પાળીના વિદ્યાર્થીઓને ધ્રુજતા-ધ્રુજતા સ્કૂલે જવું પડે છે. વહેલી સવારની કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓને ઉઠીને સ્કૂલે જવું મુશ્કેલ બનતું હતું. વહેલી સવારે જોરદાર ઠંડી રહેતી હોવાથી સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળતી હતી. જો કે, કેટલીક સ્કૂલોના કડક નિયમોના કારણે વિદ્યાર્થીઓને ફરજિયાત સ્કૂલે જવું પડતું હતું.
વાલી મંડળ દ્વારા રજુઆત કરાઈ હતી: છેલ્લા કેટલાક સમયથી પડી રહેલી જોરદાર ઠંડીના કારણે વિદ્યાર્થીઓની હાલત કફોડી બની જતી હતી. પરિણામે વાલી મંડળ દ્વારા પણ સવારની પાળીના સમયમાં ફેરફાર કરવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા માંગણી કરવામાં આવી હતી. દરમિયાન ગુજરાતમાં એક વિદ્યાર્થીનું અસહ્ય ઠંડીમાં સ્કૂલે જવાના કારણે અવસાન થતાં, સ્કૂલોમાં પહેલી પાળીના સમયમાં ફેરફાર કરવા માટે તિવ્ર માંગ ઉઠી હતી.
આ પણ વાંચો Education Controversy: ચૈતન્ય ટેકનો શાળા શરૂ થાય તે પહેલા જ વિવાદ, પ્રવેશ મામલે મોટી બ્રેક
આગામી દિવસોમાં પડી શકે છે ઠંડી: બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા પણ આગામી તા.25, 26 અને 27 એમ ત્રણ દિવસ ઠંડીનો પારો નીચે ઉતરશે અને તેના કારણે ઠંડીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરવામાં આવી હોવાથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરોને પોતાના જિલ્લાની ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક, શાળાઓના સમયમાં ફેરફાર કરવા માટે સૂચના આપી હતી. જેના પગલે જિલ્લા કલેક્ટરે જિલ્લા શિક્ષણાધિકારીને સ્કૂલોની સવારની પાળીના સમયમાં ફેરફાર કરવા માટે સૂચના આપી હતી.
આ પણ વાંચો MS University Controversy 12 નાપાસ વિદ્યાર્થિનીને મળ્યું એડમિશન, 6 મહિના પછી ફૂટ્યો ભાંડો
જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પરિપત્ર: દરમિયાન જિલ્લા કલેક્ટરની સુચના અનુસાર જિલ્લા શિક્ષણાધિકારી આર.આર. વ્યાસે આજે જિલ્લાની તમામ શાળાઓમાં પરિપત્ર જારી કર્યો હતો. તા.23-1-023થી તમામ ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ પ્રથામિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળોઓમાં સવારની પાળીનો સમય સવારે 8 કલાકે કરવા માટે જણાવાયું છે. પરિપત્રમાં બીજી સૂચના ન મળે ત્યાં સુધી સવારની પાળીનો સમય સવારે 8 કલાકે કરવા પણ જણાવ્યું છે. તે સાથે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર કોઇ અસર ન પડે તે માટેનું પણ આયોજન કરવા માટે શાળાઓને તાકીદ કરવામાં આવી છે.