વડોદરા: વાસણા ભાયલી રોડ પર આવેલી અને સરકારના RTE હેઠળના FRC કાયદાને ઘોળીને પી જઈ તગડી ફીની વસુલાત કરતી બ્રાઈટ સ્કૂલના ધોરણ-3ના વર્ગ ખંડમાં સવારે પંખો તૂટી પડતાં 2 માસૂમ વિદ્યાર્થીઓના માથાના ભાગે ઈજા થતાં શાળા સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે.
આ ઘટનાને પગલે વાલીઓ શાળા ખાતે દોડી ગયા હતા. શાળા સંચાલકો સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમજ શાળામાં વર્ગખંડો સહિત શાળાનું સમયસર સમારકામ નહીં થતું હોવાના પણ આક્ષેપ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરની બ્રાઈટ સ્કૂલમાં તગડી ફી વસુલવામાં આવે છે. તેમ છતાં સ્કૂલમાં યોગ્ય સુવિધાઓ અપાતી નથી. પંખાનું મેઈન્ટેનન્સ ન કરાતું હોવાથી ચાલુ કલાસમાં પંખો તૂટીને નીચે પડ્યો હતો. ત્યારે સ્કૂલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે. આ પંખો વિદ્યાર્થીઓ પર પડ્યો હોવાની ઘટનાને પગલે વાલીઓએ સ્કૂલ ખાતે દોડી જઈ સ્કૂલ સંચાલકો સામે નારાજગી દર્શાવી હતી.