- કપરાડા બેઠક પર ભાજપ આગળ
- 16 જેટલા રાઉન્ડની મતગણતરી પૂર્ણ
- જિલ્લા ભાજપ પ્રમુખે કપરાડા ખાતે ભાજપના વિજયનો વિશ્વાસ વ્યકત કર્યો
- 17 રાઉન્ડની મતગણતરીમાં બીજેપી આગળ
વલસાડઃ મંગળવારે વહેલી સવારે સાત વાગ્યાથી કપરાડા ખાતે આવેલી સરકારી કોલેજ ખાતે 181 વિધાનસભાની યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. જેમાં કુલ 27 જેટલા રાઉન્ડની મત ગણતરી કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં એટલે કે બપોરે 3 વાગ્યા સુધીમાં 17 જેટલા રાઉન્ડની મત ગણતરી થઇ ચૂકી છે. જેમાં ભારતીય જનતા પાર્ટી જંગી લીડથી આગળ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી 29 હજાર કરતા પણ વધુ મતોથી કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈથી આગળ ચાલી રહ્યા છે, તો હજુ 12 રાઉન્ડની મતગણતરી બાકી છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતુભાઈ સતત 17 રાઉન્ડના અંતે લીડ મેળવી આગળ ચાલી રહ્યા છે. જેથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં વિજયનો વિશ્વાસ જોવા મળી રહ્યો છે.
કપરાડા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો પહોચી રહ્યા છે. કપરાડા ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર વલસાડ, ધરમપુર, વાપી, પારડી જેવા અનેક વિસ્તારોમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારો કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા છે.
જિલ્લા પ્રમુખે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
મહત્વનું છે કે સોમવારના રોજ જ ભારતીય જનતા પાર્ટીએ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હેમંતભાઈ કંસારાની વરણી કરી છે, તેઓ પણ કપરાડા ખાતે આવેલી ભાજપના કાર્યાલય ઉપર પહોંચ્યા હતા અને તેમણે કપરાડા ખાતે ભાજપનો ભગવો લહેરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી 35 હજાર કરતા પણ વધુ જંગી લીડથી વિજય રહેશે.
મહત્વનું છે કે અત્યાર સુધીમાં 17 રાઉન્ડની મત ગણતરી થઈ ચૂકી છે, જ્યારે હજુ પણ 12 રાઉન્ડની મતગણતરી બાકી છે, ત્યારે 29 હજાર જેટલી જંગી લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. તો હાલમાં તો તેઓની જીત નિશ્ચિત હોવાનું માનવામાં આવી રહ્યું છે.