વડોદરા: ઈ.સ.1734માં વડોદરા મોગલોના હાથમાંથી મરાઠાઓના હાથમાં આવ્યું અને ત્યારથી લઈ આઝાદી સુધી વડોદરા ગાયકવાડના તાબા હેઠળ વિકસતું રહ્યું. વડોદરાના અર્વાચીન વિધાયક તરીકે જાણીતા કૈલાસવાસી શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડનો શાસનકાળ ઈ.સ.1875 થી 1939 વડોદરાના ઇતિહાસનું સુવર્ણ પૃષ્ઠ બન્યું છે. સર સયાજીરાવનું પ્રદાન એ જ વડોદરાની સાચી ઓળખ છે. બુધવારે શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની જન્મ જ્યંતી નિમિત્તે કાલાઘોડા સર્કલ ખાતે પાલિકા દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં મેયર, ડેપ્યુટી મેયર, વિપક્ષી નેતા, મ્યુનિસિપલ કમિશ્નર, સહિતના અધિકારીઓ ,મહાનુભાવોએ હાજર રહી બેન્ડ બાજા સાથે શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તો વિશ્વ વિખ્યાત શૈક્ષણિક સંસ્થાઓ, વિશાળ બાગ-બગીચાઓ, રાજમહેલો, અસંખ્ય ઔદ્યોગિક એકમો અને વિવિધ પ્રદેશના લોકોને પોતાનામાં સમાવી લેતું વડોદરા તેના ભવ્ય ભૂતકાળ અને વર્તમાનમાં અનુપમ સમન્વયનું ઉદાહરણ છે. તેનું તમામ શ્રેય જેને ફાળે જાય છે, તે દીર્ઘદ્રષ્ટા કૈલાસવાસી શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની જન્મ જ્યંતીએ શહેરના કીર્તિ મંદિર ખાતે રાજવી પરિવાર દ્વારા સ્વરાંજલીની કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં રાજમાતા શુંભાંગીની રાજે ગાયકવાડ, મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ, મહારાણી રાધિકરાજે ગાયકવાડ, અનેક રાજકીય નેતાઓ, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, યુનિવર્સિટીની ફાઈનઆર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ તેમજ નગરજનોએ ખાસ હાજર રહી શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા પર પુષ્પાંજલિ સાથે સ્વરાંજલી અર્પણ કરી હતી.