વડોદરા : મધ્ય ગુજરાતની સહકાર ક્ષેત્રની સૌથી મોટી બરોડા ડેરીની આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. આગામી અઢી વર્ષ માટે યોજાયેલ આ ચૂંટણી પ્રક્રિયામાં પ્રમુખ તરીકે સતીષ પટેલ(નિશાળીયા) અને ઉપપ્રમુખ તરીકે જી.બી સોલંકીની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવ્યા છે. આ ચૂંટણી પૂર્વે 24 જૂનના રોજ મેન્ડેડનો અસ્વીકાર કરી ડિરેક્ટરોએ બળવો કર્યો હતો. ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને પાર્ટીના નિરિક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા બાદ આજે ફરી ચૂંટણી યોજાતા આગામી અઢી વર્ષ માટે બરોડા ડેરીના સુકાનીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.
આ સહકારી સંસ્થામાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા મેન્ડેડ મોકલવામાં આવ્યો હતો. અમારા માર્ગદર્શક ગોરધન ઝડફિયા મેન્ડેડ લઈને આવ્યા હતા. આ સંસ્થાના બધા જ સભ્યોએ એકસાથે મળીને આ ચૂંટણીને બિનહરીફ કરી છે, ત્યારે આ સહકારી સંસ્થાને ખૂબ આગળ લઈ જઈશુ અને દૂધ ઉત્પાદક પશુપાલકોના હિતમાં યોગ્ય નિર્ણય કરીશું. પાર્ટીએ અમારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેને અમે સાર્થક કરીશું. - સતીષ પટેલ (પ્રમુખ, બરોડા ડેરી)
મેન્ડેડનો સર્વાનુમતે સ્વીકાર કર્યો : આ અંગે બરોડા ડેરીના ઉપપ્રમુખ જી.બી. સોલંકીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ મેન્ડેડનો સ્વીકાર કર્યો છે. મેન્ડેડ મુજબ તમામ 11 અને 2 એમ 13 ડિરેક્ટરો સર્વાનુમતે સ્વીકાર કરે તેવી વાત કહી હતી. આ બાબતને ધ્યાનમાં લઈને સર્વાનુમતે ચૂંટાયા છે. પશુપાલકો માટે યોગ્ય નિર્ણય અને સારું થાય તેવો પ્રયાસ કરીશું.
અગાઉ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ : આગામી અઢી વર્ષની ટર્મ માટે ગત શનિવારના રોજ બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે સર્કિટ હાઉસમાં ભાજપ પાર્ટીના નિરીક્ષક રઘુભાઈ હુબ્બલ અને ગોરધન ઝડફિયા દ્વારા દિનુમામા સહિત તમામ 11 ડિરેક્ટરોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સેન્સ લીધા બાદ દિનુમામા સહિતના ડિરેક્ટરોએ પાર્ટીના મેન્ડેટનો સ્વીકાર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અને આજે આ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
અગાઉ બળવો થયો હતો : સેન્સ પ્રક્રિયા પૂર્વે 24 જૂનના રોજ મેન્ડેટનો અસ્વીકાર કરીને બરોડા ડેરીના કાર્યકારી પૂર્વ પ્રમુખ જી.બી. સોલંકી અને પૂર્વ પ્રમુખ દિનુમામા સહિતના 11 ડિરેક્ટરોએ ચૂંટણીમાં બળવો કર્યો હતો. જો કે આ અંગેનો ખ્યાલ આવી જતા ભાજપે જ ચૂંટણી ન કરાવવા ચૂંટણી અધિકારીને ફરકવા દીધા ન હોવાના આક્ષેપ થયા હતા. હાઇવોલ્ટેજ ડ્રામાના અંતે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી અને આજના દિવસે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી હતી.