વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ફરતીકુઈ ગામ નજીક દર્શન હોટેલના ખાળકૂવાની સફાઈ કરવા અંદર ઉતરેલા 7 શ્રમિકો ગૂંગળાઈને મૃત્યુ પામ્યા હતા. આ ગોઝારા બનાવ બાદ તંત્ર દ્વારા આવી ઘટના ભવિષ્યમાં ન બને તે માટે નોટિસ જારી કરી છે.
વડોદરા શહેરમાં ભૂગર્ભ ગટરો અને ખાળકૂવાની સફાઈ ખાનગી કંપનીઓ, દુકાનો, હોટલો, દવાખાના, મકાનો અને જાહેર સંસ્થાઓ દ્વારા સફાઈ કામદારો દ્વારા અંદર ઉતારીને કરાવવામાં આવતી હોવાથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આ રીતે સફાઈ કામગીરી નહીં કરાવવા પર નોટિસ જાહેર કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા મેન્યુઅલ સ્કેવેન્જર્સની પ્રથા નાબૂદ કરવા સંદર્ભે ધ પ્રોહિબિશન ઓફ એમ્પ્લોઈમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહેબિલિટેશન નિયમ વર્ષ 2013થી સમગ્ર દેશમાં લાગુ કર્યો છે. જેના અનુસંધાને મે મહિનાથી રાજયની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં સફાઈ કામદારો મારફતે ભૂગર્ભ ગટર સફાઈ કામગીરી કરાવવા પર પ્રતિબંધ મૂકવા અને સફાઈ કામદારોના અપમૃત્યુ અને અકસ્માત રોકવા સૂચનાઓ અપાઈ છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા ભૂગર્ભ ગટર અને ખાળકુવા માટે સફાઈની કામગીરી મશીનરી દ્વારા કરવામાં આવે તેના પર ભાર મુકવામાં આવ્યો છે. શહેરની કોઇ પણ ખાનગી મિલકતોએ ગાઈડલાઈન મુજબ મશીનરીનો જ ઉપયોગ કરીને સફાઈ કામગીરી કરવા જણાવ્યું છે. જો કે આ નોટીસનો અમલ નહીં કરાવામાં આવે તો તેના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.