- પાદરા એસટી ડેપો નજીક પેટ્રોલપંપ પર હોબાળો
- બાઈકમાં ઓછું પેટ્રોલ પૂરવાના આક્ષેપ સાથે હોબાળો
- ભારે હોબાળો થતા પોલીસ પહોંચી પેટ્રોલપંપ પર
વડોદરાઃ પાદરાના સોની ફળિયામાં રહેતો કમલેશ પટેલનો પુત્ર શિવાંગ પટેલ પાદરા ST ડેપોની બાજુમાં આવેલા શાહ અંબાલાલ જમનાદાસના પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરાવા ગયો હતો. અહીં બાઈકની ટાંકીમાં પેટ્રોલ ફૂલ ભરાવ્યું હતું, પરંતુ અરજદાર કમલેશ પટેલને શંકા જતા તેણે પેટ્રોલપંપ પર જઈને કેરબામાં પેટ્રોલ કાઢીને ચેક કરતા પુરાવેલું પેટ્રોલ કરતા પેટ્રોલ ઓછું નીકળ્યું હતું. આથી ગ્રાહક અને લોક ટોળાંએ ભારે હોબાળો મચાવ્યો હતો. હોબાળાના કારણે પોલીસ પણ દોડી આવી હતી.
પેટ્રોલપંપના માલિકે અરજદારના તમામ આક્ષેપ નકાર્યા
આ સમગ્ર મામલો પાદરા પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં ગ્રાહકે પોલીસ મથકમાં અરજી પણ કરી હતી. ત્યારબાદ મામલતદાર કચેરીએ મામલો પહોંચ્યો હતો. ઈન્ચાર્જ મામલતદાર દિલીપભાઈ રજૂઆત સાંભળીને મામલતદાર દ્વારા પેટ્રોલપંપ પર તપાસ કરવામાં આવી હતી. બાઈકચાલકના પિતા અને અરજદાર કમલેશ પટેલે પેટ્રોલપંપ સામે આક્ષેપો કર્યા હતા. જયારે,પાદરા ઈ.મામલતદારે પેટ્રોલ પંપ ઉપર તપાસ હાથ ધરી હતી, અને તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જ્યાં વડોદરા તોલમાપ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. પાદરા પેટ્રોલ પંપના સંચાલકને આ અંગે પૂછતાં તેઓએ ગ્રાહકે કરેલા આક્ષેપોનો રદિયો આપ્યો હતો.