- વડાદરાના ડેસર ગામનો કિસ્સો
- 63 વર્ષના પશુપાલકની સમાજની જ કન્યા સાથે લગ્ન કરવાની જીદ થઈ પુરી
- લગ્ન કરી સાસરીમાં આવેલી નવી નવેરી દુલ્હનને ચક્કર આવ્યા,તબિયત બગડી અને પ્રાણપંખેરૂ ઉડી ગયું
વડોદરાઃ ડેસર તાલુકાના પીપળછટ ગામે રહેતા 63 વર્ષીય કલ્યાણભાઈ બાબુભાઇ રબારી ઉર્ફે કલાભાઈ પશુપાલક છે. 10 જેટલી ગાય વાછરડાં રાખીને પોતાનું અને અસ્થિર મગજ ધરાવતા પોતાના નાના ભાઈ રામજીભાઈ તથા વિધવા દેવી બહેનનું ભરણ પોષણ કરે છે. આ ઉપરાંત તેમને પત્નીની પણ ખોટ હતી. જેની માટે છેલ્લાં 4 દાયકાથી તેઓ પોતાના સમાજની જ કન્યા લાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા હતા. પોતે જીદ લઈ ને બેઠા હતા કે જ્યાં સુધી પોતાના સમાજની કન્યા નહીં મળે ત્યાં સુધી લગ્ન નહીં કરે. પોતાના સમાજમાંથી કન્યા મેળવવાની જીદમાં ચાર દાયકા સુધી લગ્ન કરવા માટેની રાહ જોઈને બેઠેલા યુવાનની જિંદગી વીતી ગઈ હતી.
કલાભાઈના આંગણે ઢોલ ઢબુકયા
લોકડાઉન દરમિયાન એવો યોગ બન્યો કે નજીકના ગામ વરસડા તેમના સંબંધી રાજુભાઇ રબારીએ પ્રયાસ કરતા ખેડા જિલ્લાના ઠાસરા ગામના 40 વર્ષીય લીલાબહેન રબારી કલાભાઈને ગમી ગયા અને તેમની લગ્નની વાત આગળ વધી. કુટુંબ કબીલાની પરવાનગી બાદ લગ્નની તારીખ નક્કી કરાઈ હતી.વર્ષોથી સુના કલાભાઈના આંગણે ઢોલ ઢબુકયા અને શરણાઈ પણ ગુંજી હતી. 23 જાન્યુઆરીએ પીપળછટ ગામે ભોજન સમારંભ રાખ્યો હતો, તેમાં વાટા, નારપુરી, રામપુરી, જેસલ, ગોપરી અને પીપળછટના ગ્રામજનો ઉપરાંત સગાં વ્હાલાંઓને હરખે લગ્નનું આમંત્રણ આપીને જમાડ્યા હતા.
કોરોના ગાઈડલાઈનના પાલન સાથે જાન લઈ કલાભાઈ ઠાસરા પહોંચ્યા
જ્યારે બીજા દિવસે સરકારી ગાઈડલાઈન મુજબ 50 જાનૈયાઓને લઈને વાજતે ગાજતે કલાભાઈની જાન ઠાસરા પહોંચી હતી. હિન્દૂ રીતિરિવાજ પ્રમાણે બંન્ને લગ્નગ્રંથીથી જોડાયા. સાંજે ચાર કલાકે ઠાસરા નિવાસેથી લીલાબેન રબારીને પોતાના ભાઈએ ઘરેથી વિદાય આપી. તેઓના ભાઈને ક્યાં ખબર હતી કે તેઓ પોતાની વ્હાલસોઈ બહેનને અંતિમ વિદાય આપી રહ્યા છે. ચાર દાયકાથી વાંઢા ફરતા કલાભાઈ રબારી નવી નવેલી દુલ્હન લઈને ઘરે આવતા સમસ્ત ગ્રામજનો પણ ઘેલા બન્યા હતાં અને તેમની દુલ્હનને નજરે નિહાળવા ફળિયાવાળા ઉપરાંત ગ્રામજનો પણ ઉમટી પડ્યા હતા.
પીયરમાંથી વિદાય લીધા બાદ લીલા બેને જીંદગીમાંથી પણ વિદાય લીધી
ગામના મહારાજને બોલાવી વિધિ મુજબ મીંઢળ છોડવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આ વિધિના થોડા જ સમય બાદ કલાભાઈની ધર્મપત્નિ લીલાબહેનને ચક્કર આવ્યા અને પડી ગયા હતા. તબિયત વધુ ખરાબ થતાં તેમને કલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ દરમિયાન માર્ગમાં જ માંજ લીલાબહેનનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું અને દવાખાને પહોંચ્યા ત્યારે ડોકટરે મૃત જાહેર કર્યા હતા. આ અંગે તેઓના ભાઈને જાણ કરતા પોતાની બહેનનો મૃતદેહ ઠાસરા ગામે લઈ જવાયો અને ગળતેશ્વર મહીસાગર નદીમાં પરિવારની ઉપસ્થિતિમાં અગ્નિદાહ અપાયો હતો. મંડપમાં બાંધેલા લીલા તોરણ હજી તો લીલા જ હતા અને ઘડીક ભરની ખુશી આપી લીલા બેનએ વિદાય લીધી. બંન્ને પરિવારોમાં આવેલી ખુશીઓ થોડા જ સમયમાં ગમમાં પરિવર્તિત થઈ ગઈ.